ફરિયાદ:કઠલાલ સીટી સર્વેના પટાવાળાના આપઘાત પ્રકરણમાં ઈન્ચાર્જ સર્વેયર અને ક્લાર્ક વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • સવા ત્રણ માસ પહેલા બનેલા આત્મહત્યાના બનાવમાં અંતે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સવા ત્રણ માસ અગાઉ સરકારી અધિકારીથી ત્રસ્ત બનેલા સેવકે આપઘાત કરી લેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કઠલાલ સીટી સર્વેના પટાવાળાને તેના ઉપરી અધિકારી ઈન્ચાર્જ સર્વેયર અને ક્લાર્ક આભડછેટ પ્રવૃત્તિથી ત્રાસ આપતાં આ પટ્વાળાએ આપઘાત કરી લીધો હતો. જે ઘટનામાં આજે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ જવા પામી છે. વિધવા મહિલાએ પોતાના મૃતક પતિને ન્યાય અપાવવા માટે આજે પણ પોલીસના દફ્તરે આંટા ફેરા મારવા મજબુર થવું પડ્યું છે. અંતે કઠલાલ પોલીસે આ મહિલાની ફરિયાદના આધારે ઈન્ચાર્જ સર્વેયર અને ક્લાર્ક વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.

કઠલાલ રોહીતવાસમાં રહેતા દિનેશ ગણેશભાઈ રોહિત વર્ષ 2017થી કઠલાલ સ્થિત મામલતદાર કચેરીમાં આવેલ સીટી સર્વેની ઓફીસમાં પટાવાળાની ફરજ બજાવતા હતા. તેમની કચેરીમાં અગાઉ એસીબીની ટ્રેપ પડતા ઉપલી અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા. જે બાદ ઈન્ચાર્જ સર્વેયર તરીકે આશીફ અયુબભાઈ મન્સુરી અને ક્લાર્કમાં મહંમદશાકીર અબ્દુલમજીદભાઈ શેખ (બન્ને રહે. કઠલાલ) આવ્યા હતા.

અધિકારીમાં આવેલા આ બન્ને લોકોએ કચેરીના સેવક દિનેશ રોહિત પર ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. આ બન્ને લોકો અવારનવાર સેવક સાથે તોછડાયું ભર્યુ વર્તન કરતાં હતા. ઉપરાંત આભડછેટ પ્રવૃત્તિ એટલે કે પાણીનો જગ અલગ રાખી તેને અવારનવાર અપમાનિત કરતાં હતાં. આટલેથી વાત નહીં અટકતા અનેક વાર આ લોકો તમામ કર્મચારીઓ સામે સેવકને જલીલ કરી જ્ઞાતી વાચક શબ્દો બોલતાં હતા. જે બાબતથી દિનેશભાઈની પત્ની પણ વાકેફ હતા. થોડો સમય જતાં આ લોકો સુધરી જશે તેમ દિનેશભાઈ માનતાં હતા. પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ એટલી હદ સુધી વધી ગયો કે દિનેશભાઈએ ગત 29 મે ના રોજ કચેરીમાં જ ફરજ દરમિયાન ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જે બાદ દિનેશભાઈનું મૃત્યુ થયું હતું.

આ સમયે કઠલાલ પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી. જે બાદ મૃતક પતિને ન્યાય અપાવવા વિધવા મહિલા અનેક વાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી હતી. ઘટનાના સાડાત્રણ માસ બાદ આજે કઠલાલ પોલીસે આ વિધવા મહિલા રમીલાબેન રોહિતની ફરિયાદના આધારે ઉપરોક્ત બનાવમાં દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે. મહિલાએ કઠલાલ સીટી સર્વેના ઈન્ચાર્જ સર્વેયર આશીફ મન્સુરી અને ક્લાર્ક મહંમદશાકીર શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 306, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પટાવાળાને જગનું પાણી પીવાની પણ ના પાડતા
ફરીયાદમાં જણાવ્યા મુજબ સીટી સર્વે વિભાગના ઈન્ચાર્જ સર્વેયર અને ક્લાર્ક દ્વારા એ હદે આભળછેટ રાખવામાં આવતી હતી કે, તેઓ દિનેશભાઈ રોહીતને કચેરીમાં આવતું જગનું પાણી પીવાની પણ ના પાડતા હતા. ઉપરાંત જાતિવાચક શબ્દો બોલી પાણી ન પીવા માટે જણાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...