પર્દાફાશ:હરિયાણાના રોહકતથી દારૂનો જથ્થો લાવી ખેડાના હરિયાળા ખાતેના યોગી ફાર્મમાં લઈ જવાતો હતો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વરના મહારાજાના મુવાડા ચેકપોસ્ટ પાસેથી રૂ. 13.47 લાખનો દારૂ ઝડપાયો હતો
  • ખેડાના હરિયાળાના ઈસમ સામે પણ ગુનો નોંધાયો

ગળતેશ્વર પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજાના મુવાડા પાસે ગતરોજ ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂ પ્રકરણ મામલામાં નવો વળાંક આવ્યો છે. જેમાં આ દારૂનો જથ્થો ખેડા જિલ્લામાં ઘૂસાડવામાં આવતો હોવાની કબૂલાતથી હડકંપ મચી જવા પામ્યો છે. આ દારૂનો જથ્થો હરિયાણાના રોહકતથી લાવી ખેડા પાસેના હરિયાળાની સીમમાં આવેલ યોગી ફાર્મમાં લઈ જવાતો હોવાની કબૂલાત ઝડપાયેલા બે આરોપીઓએ કરી છે. પોલીસે આ ઘટનામાં વધુ એક ઈસમ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નજીકમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ થર્ટી ફર્સ્ટ આવતી હોવાથી આવા બુટલેગરો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

સેવાલીયા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી શનિવારની મધરાતે ગોધરા તરફથી આવતી આઇસર નંબર (UP 14 ET 0412)ને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં ટ્રકમાં પગરખાના સોલના બોક્સ ભરેલા હતા. પોલીસના માણસોએ આ બોક્સ ઊંચા કરી જોતાં લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 13 લાખ 47 હજાર 600નો વિદેશી દારૂ સાથે ડ્રાઇવર અને ક્લીનર સુમિતકુમાર ધરમવીર ચમાર અને બીજો શ્રીભગવાન હોશિયારાજી ચમારને ઝડપી લેવાયા છે.

પોલીસે આ બનાવમાં કુલ રૂપિયા 19 લાખ 57 હજાર 840નો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ઝડપાયેલા ઇસમોની પુછતાછ આદરી હતી. જેમાં ઉપરોક્ત ઈંગ્લિશ દારૂનો જથ્થો ખેડા તાલુકાના હરિયાળા ગામની સીમમાં આવેલ યોગી ફાર્મમાં લઈ જવાતો હોવાની કબૂલાત કરી હતી.

આ દારૂના જથ્થા પ્રકરણમાં વધુ એક ઈસમનું નામ ખુલ્યું છે. આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે હરિયાણાના રોહકતથી દારૂનો જથ્થો લાવી ખેડાના હરિયાળા ખાતેના યોગી ફાર્મના ચીન્ટુ પટેલ ઉર્ફે રાણા નામના વ્યક્તિની ત્યાં લઈ જવાતો હતો. તેથી પોલીસે આ બનાવમાં આ વ્યક્તિ સામે પણ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

સેવાલીયા પોલીસે આ બનાવમાં ઝડપેલા ડ્રાઇવર અને ક્લીનર સુમિતકુમાર ધરમવીર ચમાર અને બીજો શ્રીભગવાન હોશિયારાજી ચમારને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે આ બન્ને આરોપીઓના 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. તો બીજી બાજુ પોલીસે ખેડાના હરિયાળાના યોગી ફાર્મના ચીન્ટુ પટેલ ઉર્ફે રાણા નામના વ્યક્તિની શોધખોળ આદરી છે. રીમાન્ડ દરમિયાન વધુ હકીકતો પરથી પડદો ઊંચકાશે અને આ દારૂ પ્રકરણનો રેકેટનો પર્દાફાશ થશે.

અન્ય સમાચારો પણ છે...