દારૂની હેરાફેરી:ગળતેશ્વરના મહારાજાના મુવાડા પાસેથી લાકડાના છોતરાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો દારૂ ઝડપાયો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક અને ભાગીદાર ઝડપાયો અન્ય ભાગીદારનું પણ નામ ખુલ્યું
  • કુલ રૂપિયા 3 લાખ 25 હજાર 830નો મુદ્દામાલ જપ્ત

મધ્યપ્રદેશના ધારથી દારૂનો જથ્થો લાવી સુરેન્દ્રનગરના સાયલા ખાતે લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ સેવાલીયા પોલીસે ઝડપી પાડ્યો છે. બોલેરો પીકઅપ ડાલામાં લાકડાના છોતરાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો ઈંગ્લિશ દારૂ સાથે બે ઈસમોને ઝડપી લેવાયા છે. રૂપિયા 2.22 લાખના ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3 લાખ 25 હજાર 830નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઝડપાયેલા બે પૈકી એક ભાગીદાર છે અને અન્ય એક ભાગીદારનું નામ ખુલતાં પોલીસે ત્રણ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનાં સેવાલીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહારાજના મુવાડાની નવી ચેકપોસ્ટ પાસેથી ગતરાત્રે પસાર થતી બોલેરો પીકઅપ ડાલુ નં. (GJ 13 AT 5949)ને હાજર GRDના લોકોએ અટકાવી હતી. દરમિયાન વાહનમાં લાકડાના છોતરાની બારીઓ જોવા મળી હતી. GRDના માણસોએ આ બોરીઓને આઘીપાછી કરતાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેની જાણ GRDના લોકોએ ઉપરી અધિકારીને કરતાં તુરંત સેવાલીયા પોલીસના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ વાહનમાં પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવતાં દારૂનો જથ્થોની ખરાઇ કરાઈ હતી. પોલીસે આ બનાવમાં ચાલક વિજય ગોવિંદ જોગરાણા (રહે. ગોસળ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) અને જયેશ અશોક વાઘેલા (રહે. સાયલા, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા છે.

જે બાદ સેવાલીયા પોલીસ મથકે જઈ દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવતાં 750 મીલીની 144 નંગ, અન્ય માર્કાની 750મીલીની 180 નંગ તથા 500 મીલીની નંગ 360 મળી કુલ રૂપિયા 2 લાખ 22 હજાર 120નો ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. સાથે સાથે ગુનામાં વપરાયેલી વાહન, રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3 લાખ 25 હજાર 830નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા ઇસમ પૈકી વિજય જોગરાણાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે સાયલાના વખતપુરા ગામના રઘુ વનાભાઈ ભરવાડ અમે બન્ને આ દારૂનો વેપલો ભાગીદારીમાં કરીએ છીએ. અને આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ધાર ખાતેથી લાવી સાયલા લઈ જવાતો હતો. પરંતુ અધવચ્ચે જ રસ્તામાં દારૂનો જથ્થો પકડાઈ ગયો છે. આમ પોલીસે આ બનાવમાં ત્રણ ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...