આંદોલનની ચિમકી:ખેડા અને આણંદના એસ.ટી કર્મચારીઓએ પડતર માંગણીઓ બાબતે નડિયાદ એસ.ટી ડિવિઝનની ઓફીસે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો સરકાર માંગણી નહી સંતોષે તો 20 ઓક્ટોબરની મધરાતથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી ઉચ્ચારી
  • નડિયાદ વિભાગના 3 હજાર 252 કર્મચારીઓ પૈકી 98 ટકા કર્મીઓએ રજાનો રીપોર્ટ આપી દીધો છે

રાજ્યના એસ. ટી. કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ બાબતે છેલ્લા એક મહિનાથી વિવિધ કાર્યક્રમો યોજી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરકાર સાથે આ બાબતે વાટાઘાટ બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે ખેડા-આણંદ જિલ્લાના લગભગ 100થી વધુ એસ.ટી કર્મચારીઓ પડતર માંગણીઓ બાબતે આજે સોમવારે ઘંટનાદ વગાડી સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો છે અને આગામી 72 કલાકમાં જો નિવેડો નહી આવે તો 20મી ઓક્ટોબરની મધરાતથી અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગમશે તેવું જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને ઘણાં લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય સંગઠનો દ્વારા લેખિત, મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત નિગમના ઉચ્ચ કક્ષાએ અને સરકારમાં જે તે વિભાગને પણ કરવામાં આવી હતી. પરંતુ સરકારના બહેરા કાને આ વાત નહી સંભાળતા આજ દિન આ પડતર માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. માટે નિગમના કર્મચારીઓ હડતાળની દિશામાં બાણ ઉગમ્યું છે. છેલ્લા લગભગ એક માસથી વિવિધ કાર્યક્રમો યોજી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરંતુ સરકાર તેમની માંગણીઓ નહી સંતોષતા આર કે પારની સ્થિતિને લડી લેવાના આક્રમક મુડમાં કર્મીઓ સજ્જ થઈ ગયા છે.

એસ. ટી વર્કસ યુનિયન, એસ. ટી. કર્મચારી મંડળ તથા એસ. ટી. મજદુર સંઘ દ્વારા બનેલા સંકલન સમિતિ દ્વારા ગત 26 ઓગસ્ટના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે અગાઉ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકારે સરકાર હસ્તકના તમામ બોર્ડ, નિગમો એકમોને તમામ કર્મચારીઓના લાભ ચૂકવી આપ્યાં છે. માત્ર એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતાં રોષ ભભૂક્યો છે.

એસ.ટી નિગમના કર્મચારીઓએ 15 સપ્ટેમ્બર સુધી તેમની માંગણીઓને વાંચા નહી મળે તો જલદ કાર્યક્રમો કરવા ચિમકી ઉચ્ચારી હતી. જે બાદ તબક્કાવાર આંદોલન છેડાયું હતું. જેમાં 16 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી તમામ કર્મચારીઓ રિસેશના સમય દરમિયાન સ્વયંભૂ જોડાઇ સૂત્રોચ્ચાર કરશે. 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી રિસેશના સમયે સૂત્રોચ્ચારની સાથે સાથે ઘંટનાદ કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી મધરાત્રીથી એટલે કે રાત્રે 12 વાગ્યાથી 8 ઓક્ટોબરના રોજ તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર જવાના હતા. પરંતુ આ પહેલા સરકારે વાટાઘાટા કરી બેઠક યોજી હતી. જેથી 7 ઓક્ટોબરનો માસ સીએલ પર જવાનો કાર્યક્રમ લંબાવાયો હતો. કર્મીઓએ 14 ઓક્ટોબર સુધી સરકાર નિર્ણય કરે તેવી માંગ કરી હતી. પરંતુ તે બાદ પણ કોઈ નિર્ણય નહી લવાતાં અંતે સરકાર સામે કંટાળેલા એસ.ટી કર્મચારીઓ હવે આક્રમક મુડમાં આવી ચૂક્યા છે.

ખેડા અને આણંદ જિલ્લાના ત્રણેય સંગઠનોના 100થી વધુ કર્મચારીઓ નડિયાદ એસટી ડિવિઝન ઓફીસે રીસેસ દરમિયાન એકઠા થયા હતા અને કર્મીઓએ સૂત્રોચ્ચાર કરી ઘંટનાદ વગાડ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, આગામી 20મી ઓક્ટોબર સુધી અમારી માંગણીઓ નહી સંતોષાય તો 20 ઓક્ટોબરની મધરાતથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવશે. એટલે કે આ મધરાતથી એસ.ટીના પૈડા થંભી જશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આ બાબત સરકાર નોંધ લે તેવું જણાવ્યું છે. સોમવારે યોજાયેલા આ સૂત્રોચ્ચાર અને ઘંટનાદના કાર્યક્રમમાં ખેડા અને આણંદના દરેક ડેપોમાંથી 10-10 વ્યક્તિઓનું જૂથ નડિયાદ ખાતે આવી પહોંચ્યું હતું અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

નડિયાદ વિભાગના લગભગ 3 હજાર 252 કર્મચારીઓ પૈકી 98 ટકા કર્મીઓએ રજાનો રીપોર્ટ આપી દીધો છે. આ હડતાળમાં ખેડા અને આણંદ જિલ્લાના કપડવંજ, મહુધા, નડિયાદ, આણંદ, બોરસદ, ડાકોર, બાલાસિનોર, ખેડા, માતર, ખંભાત, પેટલાદ વિભાગીય કચેરીના કુલ 13 એકમના કર્મીઓ સંગઠનમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...