દારૂની હેરાફેરી:ખેડાના મહારાજાના મુવાડા ચેકપોસ્ટ પાસેથી પગરખાંના સોલની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 13.47 લાખના દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરાઇ
  • પોલીસે દારૂ સહિત ટ્રક મળી કુલ રૂપિયા 19 લાખ 57 હજાર 840નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોય તેવુ જણાઇ રહ્યું છે. રાજ્યના દરેક ખુણામાંથી પોલીસ બુટલેગરોને ઝડપી રહી છે. ત્યારે આજે વધુ ખેડા જિલ્લામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાંથી અમદાવાદ-ઈન્દોર હાઈવે પરની ચેક પોસ્ટ પાસેથી ઉત્તરપ્રદેશની પાર્સિંગની ટ્રકમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. ચંપલોના સોલની આડમાં ટ્રકની અંદર દારૂ છુપાવી હેરાફેરી કરતા બે લોકોને ઝડપી લેવાયા છે. પોલીસે રૂ. 13.47 લાખના દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 19 લાખ 57 હજાર 840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સેવાલીયા પોલીસના માણસો અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસે ગતરાત્રે ચેકીંગમાં ઊભા હતા. આ દરમિયાન મધરાત્રે ચેકપોસ્ટ પર ગોધરા તરફથી આવતી આઇસર નંબર (UP-14-ET-0412)ને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં ટ્રકમાં ચંપલોના સોલના બોક્સ ભરેલા હતા. પોલીસના માણસોએ આ બોક્સ ઊંચા કરી જોતાં પોલીસ ખૂદ ચોંકી ઉઠી હતી.

આ બોક્સ નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં વિદેશી દારૂની પેટીઓમાં મેકડોલ્સ નંગ 1728 કિંમત 8 લાખ 64 હજાર, ઓલ સિઝન નંગ 468 કિંમત 34 હજાર અને મેકડોલ્સ કાચના કવોટર નંગ 1776 કિંમત 1 લાખ 77 હજાર 600 તથા ટ્યૂબર બિયર ટીન નંગ 720 કિંમત 72 હજાર મળી કુલ 13 લાખ 47 હજાર 600નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ ઉપરાંત પગરખાના સોલના બોક્સ નંગ 40 કિંમત રૂપિયા 4 હજાર તથા આઇસર કિંમત 6 લાખ, રોકડા રૂપિયા અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 19 લાખ 57 હજાર 840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે હરિયાણાના બે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. જેમાં સુમિતકુમાર ધરમવીર ચમાર અને બીજો શ્રીભગવાન હોશિયારાજી ચમારને પોલીસે કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા એ રિમાન્ડ દરમિયાન માલૂમ પડશે.

અન્ય સમાચારો પણ છે...