ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં આજે એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહ કેનાલના પાણીમાં ઉપર તરતો દેખાતાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આતરસુંબા પોલીસે બનાવ સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા છે. જ્યારે આ બનાવમાં મરણજનાર યુવક-યુવતી પૈકી યુવકની ઓળખ છતી થઈ છે. તો યુવતીની ઓળખ છતી કરવા પોલીસે કાર્યવાહી આરંભી છે.
કપડવંજ તાલુકાના વાઘાવત સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે સવારે અગીયાર વાગ્યાની આસપાસ યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. નહેરના પાણીના પ્રવાહમાં આ યુવક-યુવતીના મૃતદેહ પાણીમાં તરતાં દેખાતાં અહીંયા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાંથી કોઈ એક વ્યક્તિએ આતરસુંબા પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્નેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢ્યા છે.
મૃતક યુવાનના ખિસ્સા ફંફોળાતાં એક વિઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે આ કાર્ડના આધારે મૃતક યુવાનની ઓળખ કરી છે. જેમાં મરણજનાર યુવાન પોતે કઠલાલ ખાતે આવેલ એક ટી સ્ટોલ પર મજૂરી કામ કરતો હોવાનું ખુલ્યું છે. વધુમાં તેનું નામ મહેન્દ્ર રમેશચંદ્ર કોળી (ઉ. વ. આ. 20, મુળ રહે. રાજસ્થાન, હાલ રહે. કઠલાલ) હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જ્યારે યુવતીની ઓળખ છતી કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક તપાસમાં આ બન્ને પ્રેમીપંખીડા છે અને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું મનાઈ રહ્યું છે. યુવક-યુવતીના મૃતદેહ સંપૂર્ણ પણે ફોગાઈ ગયેલી હાલતમાં હોવાથી સ્થળ પર ડોક્ટરની પેનલ ટીમ દ્વારા પીએમ કરાયું છે. જ્યારે ત્રણ એક દિવસ પહેલા આ બન્ને લોકો કેનાલના પાણીમાં કૂદી આપઘાત કર્યો હોવાનું તારણ પોલીસે લગાવ્યું છે. હાલ આ અંગે આતરસુંબા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.