ધાર્મિક વિધિના ક્ષેત્રમાં એટલે કે લગ્ન, મરણ, સત્યનારાયણની કથામાં અત્યાર સુધી આપણે કર્મકાંડ કરતાં બ્રહ્મદેવોને જ જોયા છે. પરંતુ હવે ઋષિકુમારીઓ પણ તમામ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ કરાવતી નજરે પડશે. નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિકુમારીઓ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહી છે. ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમમાં હાલ ચાર યુવતીઓ અહીં શિક્ષા મેળવી રહી છે, જે આગામી દિવસોમાં શાસ્ત્રી તરીકેની પદવી મેળવશે. ત્યાર બાદ તેઓ દેશ-વિદેશમાં ધાર્મિક વિધિ-વિધાન કરી શકશે.
બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતી ઋષિકુમારીઓ અંગે વાત કરતાં સંસ્થાના પ્રધાનાચાર્ય ડૉ. અમૃત ભોગાયતાએ જણાવ્યું હતું કે, આજે કોઈપણ મા-બાપ પુત્રીઓને ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરે બનાવવા માગે છે. કારણ કે, યુવતીઓ ધાર્મિક ક્ષેત્રે કારકિર્દી બનાવે એ થોડું વિપરીત લાગે. પરંતુ આપણે ઉપનિષદમાં ગાર્ગી, અરુંધતી, અદિતિ વગેરેને આજે પણ આદરપૂર્વક યાદ કરીએ જ છીએ, જે ધર્મસભાઓમાં પ્રશ્નોત્તરી કરતી તેમજ મોટા ઋષિમુનિઓ, પંડિતો, રાજાઓ સાથે પણ શાસ્ત્રાર્થ કરતી હતી.
નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના સ્થાપક પૂ. ડાહ્યાભાઈ શાસ્ત્રીજી આ પરંપરાને ગુજરાતમાં ફરી ઊભી કરવા માગે છે. જેથી ઋષિકુમારીઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવી આધ્યાત્મ ક્ષેત્રે ધાર્મિક વિધિ-વિધાન ક્ષેત્રમાં સમાજને નવી દિશા મળે. જે યુવતીઓ સમાજમાં અનેક ક્ષેત્રોમાં કે જે પહેલા પુરુષ પ્રધાન હતા ત્યાં પદાર્પણ કરીને પોતાની ઓજસ્વિતા સિદ્ધ કરી ચૂકી છે. ત્યારે હવે કર્મકાંડમાં પણ યુવતીઓએ કંકુ પગલાં કર્યાં છે. આગામી દિવસોમાં આ પુત્રીઓ મંડપમાં મંત્ર-ગાન, સત્યનારાયણની કથા, ભાગવત કથા, લગ્નવિધિ અને મરણની વિધિ કરતી જોવા મળશે. એ સમય દૂર નથી તેનું ઉદાહરણ શાસ્ત્રી કક્ષામાં અભ્યાસ કરતી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની આ ઋષિકુમારીઓ છે.
જો કર્મકાંડી બ્રાહ્મણો વિધિ કરાવી શકે તો હું કેમ નહીં?
સંસ્કૃત તો આપણી સંસ્કૃતિ છે, જેનો વારસો જાળવવા મેં આ અભ્યાસ પસંદ કર્યો છે. કથાકારો અને કર્મકાંડી બ્રાહ્મણોને આગવી શૈલીમાં કથા, ધાર્મિક વિધિ કરતા જોયા તો મને થયું કે હું પણ કેમ કથા, લગ્ન પ્રસંગે વિધિ વિધાન ના કરી શકું? એટલે મેં બધા કરતા અલગ જ વિષય પસંદ કરીને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાનો નિર્ણય કર્યો. - ચેતના શર્મા, વિદ્યાર્થિની
સંસ્કૃતને જીવંત રાખવા શિક્ષક બનીશ, કર્મકાંડ પણ કરીશ
મને પહેલેથી જ સંસ્કૃત ભણવાની ઈચ્છા હતી પણ કોઈ છોકરીઓ સંસ્કૃતનો અભ્યાસ કરતી ન હતી. મારી ફ્રેન્ડ અહીં અભ્યાસ કરતી હતી, જેથી મને પણ ઈચ્છા થઈ. મારે સંસ્કૃત શિક્ષક બનવાની ઈચ્છા છે, જેથી હું સંસ્કૃતને જીવંત રાખી શકું અને ધાર્મિક વિધિવિધાન શીખીને તેમાં પણ ભાગ લેવો છે. - લક્ષિકા વ્યાસ, વિદ્યાર્થિની
ધાર્મિક ક્ષેત્રે આગળ વધી કથા, લગ્નવિધિ બધું કરીશ
મને સંસ્કૃત ભણવાનું બહુ ગમતું હતું અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવો હતો. જે માટે હું કણજરીના મહાત્મા ગાંધી વિદ્યાલયમાંથી અભ્યાસ છોડી અહીં ભણવા માટે આવી છું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધાર્મિક ક્ષેત્રમાં અમે આગળ વધીશું. લગ્ન વિધિ, કથા, જેવા કાર્યક્રમોમાં ભાગ લઈશું. - અદિતિ દેસાઈ, વિદ્યાર્થિની
અર્ધનારેશ્વરની જેમ સ્ત્રી અને પુરૂષ એક સમાન
પરમાત્મા અર્ધનારેશ્વર છે, જેમનું અડધુ અંગ શિવજી અને અડધુ માતા પાર્વતીનું છે. એટલે કે બંને અંગ મજબૂત હોય તો જ સ્વસ્થ કહેવાય, નહીં તો પક્ષઘાતગ્રસ્ત ગણાય. આ વિચારને કેન્દ્રમાં રાખી આ મહાવિદ્યાલયમાં દીકરીઓને સંસ્કૃતના ગ્રંથો ભણવાની પ્રેરણા મળી છે. - ડૉ. અમૃત ભોગાયતા, પ્રધાનાચાર્ય, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.