વારાદારી બહેનોનો હુંકાર:ડાકોરના રણછોડજી મંદિરમાં પૂજા કરવા ઇન્દિરા બહેને કહ્યું, ‘હવે 46 દિવસ પછી ફરીથી આવીશું’

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારાદારી બહેનોની તસવીર - Divya Bhaskar
વારાદારી બહેનોની તસવીર
  • બે દિવસ ગર્ભગૃહના દરવાજે બેસી રહ્યા બાદ પણ વારાદારી બહેનોને ભગવાનની પૂજા ન કરી શક્યા

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ની સેવાપૂજા કરવા માટે બે દિવસથી વારાદારી બહેનો ઈન્દિરાબેન અને ભગવતીબેન સેવક ગર્ભગૃહની બહાર બેસી રહ્યા. પરંતુ મંદિર પ્રશાસન દ્વારા જુદા જુદા કારણો આગળ ધરી, બહેનોને સેવા પૂજા ન કરવા દેવાઈ. આજે તેમના સ્વર્ગસ્થ પિતા કૃષ્ણલાલ સેવકના વંશ પરંપરાગત વારાનો અંતિમ દિવસ હોઈ સમગ્ર દિવસ દરમિયાન બંને બહેનો યથા સ્થાને બેસી રહ્યા, પરંતુ તેમની મનોકામના પૂર્ણ ન થઈ. ના છુટકે થાકી હારીને બંને બહેનો સાંજના સમયે ઘરે જવા રવાના થયા હતા. જોકે 46 દિવસ બાદ ફરી વારો આવશે ત્યારે તેઓ ફરી આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી ડાકોર મંદિરમાં ચાલી રહેલો સેવા પૂજા નો વિવાદ આજે દિવસ ઢળતાની સાથે શાંત થઈ ગયો. જોકે આ વિવાદ હજુ પૂર્ણ નથી થયો. હવે ફરી જ્યારે કૃષ્ણલાલ સેવકના પરિવારનો વારો આવશે ત્યારે આજ પ્રકારના દ્રશ્યો મંદિરમાં જોવા મળી શકે છે. વારાદારી ઈન્દિરાબેન જણાવ્યું હતું કે આ વખતે ભલે અમને રણછોડ રાયની સેવાનો મોકો ના મળ્યો, પરંતુ હવે 46 દિવસ બાદ અમારા પરિવારનો વારો આવશે ત્યારે ફરી અમે આજ રીતે ભગવાનની પૂજા માટે આવીશું.

બંને બહેનોને બે દિવસ દરમિયાન મંદિર ટ્રસ્ટે સેવા પૂજા કરતા રોક્યા હોવા બાબતમાં તેઓએ લેખીતમાં મંદિર મેનેજરને અરજી આપી છે, જેમાં જણાવ્યું છેકે 46 દિવસ બાદ તેઓ ફરી રણછોડ રાય ની પૂજા કરવા આવશે. આ વખતે જે રીતે મંદિર કમિટી દ્વારા લિંગભેદ કરી ફક્ત સ્ત્રી હોવાના નાતે બંને બહેનોને મંદિરમાં સેવા પૂજા કરવા જતા રોકવામાં આવ્યા છે. તે બાબતે મંદિર ઉપર આવનારા દિવસોમાં પગલા ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં તેઓએ લખ્યું છેકે તેમનો આગામી વારો 19-20 નવેમ્બરના રોજ આવતો હોય તે સમયે મેનેજર કમિટી પોતાની જીદ છોડી સ્ત્રીઓને સમાન હક આપી સ્કીમના મનઘડંત અર્થઘટનો ન કરે અને મંદિરમાં સેવા પૂજા કરવા જતા રોકે નહી, નહી તો જે કોઈ કાર્યવાહી થશે તેની જવાબદારી મેનેજરની તેમજ મંદિર કમિટીની રહેશે. જોકે સમગ્ર મામલે મંદિર મેનેજર અરવિંદ મહેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ પોતાનો મોબાઇલ રીસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...