કાર્યવાહી:અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા નડિયાદ પાલિકાના પ્રમુખને નોટીસ ફટકારી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકસ્મિક મૃત્યુ બાદ વારસને નોકરી આપવાના હુકમ પર 25 દિવસથી પ્રમુખ સહી ન કરતા સંઘ નારાજ

નડિયાદ નગરપાલિકાના સફાઈના કર્મચારી સંઘે પાલિકા પ્રમુખ સામે બાંયો ચઢાવી છે. સફાઈકર્મીના આકસ્મિક અવસાન બાદ તેમના વારસદારને નોકરી આપવાના હુકમ પર પ્રમુખે સહી ન કરતા સંઘ દ્વારા નગરપાલિકા અધિનિયમ હેઠળ નોટીસ આપી છે. જેમાં તાત્કાલિક કાયદેસરની કામગીરી ન થાય તો આગામી સમયમાં આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે, તેમ ચિમકી ઉચ્ચારી છે.

નડિયાદ નગરપાલિકામાં સફાઈ કર્મીઓના આકસ્મિક અ‌વસાન બાદ તેમના વારસોને નોકરી પર ન રાખવામાં આવતા મુદ્દો ગરમાયો છે. બે દિવસ પહેલા બે સફાઈકર્મીઓને પ્રાદેશિક કમિશ્નરના હુકમ બાદ પણ નોકરી ન રાખવામાં આવતા હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. ત્યારે હવે નડિયાદ નગરપાલિકાના વધુ એક કાયમી સફાઈકર્મી જયાબેન નરોત્તમભાઈ હરીજનનું 14 ઑક્ટોબર, 2020ના રોજ ચાલુ નોકરીમાં અવસાન થયુ હતુ. તેમના દિકરા તુલસીભાઈને વારસદાર તરીકે નોકરીમાં લેવા માટેના હુકમ પર પ્રમુખ દ્વારા સહી ન કરાતી હોવાનો આક્ષેપ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કરાયો છે.

સંઘના પ્રમુખ ભુપેન્દ્રભાઈ સોલંકી દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 153 મુજબની નોટીસ પ્રમુખ રંજનબેન વાઘેલાને આપી છે. જેમાં જણાવ્યુ છે કે, વારસ તરીકે નોકરી પર રાખવા માટે ચીફ ઓફીસરે હુકમ પર સહી કરીને હુકમનું કાગળ પ્રમુખને છેલ્લા 25 દિવસથી મોકલ્યુ છે. તેમ છતાં ફરજમાં હાજર થવાના નિમણૂકપત્ર પર પ્રમુખ સહી ન કરતા ન હોવાનું નોટીસમાં જણાવ્યુ છે.

ઉપરાંત મહેકમ ટેબલના અધિકારીઓ વારસદારને પાછા કાઢી રહ્યા છે. જો વહેલામાં વહેલી તકે સહી ન કરી આપવામાં આવે તો અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ નોટીસમાં જણાવ્યુ છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા 25 દિવસથી હુકમ પર સહી ન કરાઈ હોય, તો કેમ નથી કરાઈ? તે સવાલ ઉભા થયા છે. આમ, સફાઇ કામદારનો પ્રશ્ન નડિયાદ નગર પાલિકામાં ઘણા સમયથી અટવાયેલો હોવાથી તાત્કાલિક નિકાલ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...