નોટીસ:જર્જરીત ક્વાર્ટર ખાલી કરવા બજાવેલી નોટીસનો અમલ જ નહીં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકા ભવનના મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ સામે આવેલા સરકારી ક્વાર્ટર જર્જરીત બન્યા છે. ગમે ત્યારે તૂટી પડે તેવો ભય હોવા છતાં જિલ્લા પંચાયતમાં જ ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પરીવારને લઈ અહીં નિર્ભય બની વસવાટ કરી રહ્યા છે. વર્ષો જુના આ ક્વાર્ટરને ખાલી કરવા માટે ત્યાં રહેતા પરીવારોને લાંબા સમયથી નોટીસો આપવામાં આવી રહી છે. જેની પર કોઈ અમલવારી ન થતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર (નડિયાદ) દ્વારા નગરપાલિકા અને રાણીબાગની પાસે આવેલી સરકારી વસાહતમાં રહેતા 4 પરીવારોને નોટીસ આપવામાં આવી હતી. છતાં આ પરીવારો હજુ પણ ક્વાર્ટર ખાલી કરવા માટે તૈયાર નથી. ખેડા જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા ફાળવાયેલા આ ક્વાર્ટર 40થી 45 વર્ષ જૂના હોય, ખૂબ જ જર્જરીત બન્યા છે. આ ક્વાર્ટર રહેવા લાયક ન હોય અને ભવિષ્યમાં અકસ્માત કે જાનહાનિ થવાની સંભાવના રહેલી હોવાનું પણ નોટીસમાં જણાવ્યુ હતુ.

જેથી નોટીસ પાઠવ્યાના 7 દિવસમાં ક્વાર્ટર ખાલી કરવા માટે આદેશ આપી દેવાયા હતા. જો કે, આજે નોટીસ આપ્યાને ચાર-ચાર માસ વિતી ગયા છે, છતાં હજુ સુધી ત્યાં રહેતા જિલ્લા પંચાયતના જ કર્મીઓ આ ક્વાર્ટર ખાલી કરવા માટે તૈયાર નથી. અહીં જિલ્લા આયુર્વેદીક વિભાગના વર્ગ-4ના મહીલા કર્મી અને ડીડીઓના પ્યુન સહિત અન્ય 2 પરીવારો રહેતા હોવાનું ધ્યાને આવ્યુ છે. પ્યુન તરીકે ફરજ બજાવતા કર્મી રીટાયર્ડ થયા બાદ તેમને આઉટસોર્સથી રાખવામાં આવ્યા છે. આ પરીવારો દ્વારા ક્વાર્ટર ખાલી ન કરાયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...