જોખમ:નડિયાદ નગરપાલિકા સંચાલિત સંતરામ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એકતરફ જ્યાં નગરપાલિકાએ જ ફાયર સેફ્ટીની સલામતી અંગે શહેરના તમામ એકમોનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યાં નગરપાલિકા સંચાલિત જ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનું દેખાઈ રહ્યુ છે. વળી, પાલિકા ભવનમાં લગાવાયેલા ફાયર એક્સટીન્ગ્યુઝરની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં રિફીલ કરાયા ન હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આકસ્મિક આગની ઘટનાઓમાં અનેક જીવ હોમાઈ ગયા છે. ત્યારે આ આગ વધુ ન ફેલાય તે માટે તમામ એકમોમાં ફાયર સેફ્ટી રાખવી ફરજીયાત હોય છે. જેનું સ્થાનિક પ્રશાસને જ રાખવાનું હોય છે. તેની સામે નડિયાદ પાલિકામાં તો દીવા તળે જ અધારા જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, શહેરના મુખ્ય માર્ગ સંતરામ રોડ પર જ પાલિકા સંચાલિત સંતરામ નિલયમ કોમ્પલેક્ષ આ‌વેલુ છે. 4 માળ ધરાવતા આ કોમ્પલેક્ષમાં 60 ઉપરાંત દુકાનો છે, જેમાં મોટી સંખ્યામાં કપડાની દુકાનો છે. અહીં કોઈ આકસ્મિક ઘટના બને તો મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ છે. તેવા સમયે અહીં ફાયર સેફ્ટીના પુરતા સાધનોની જરૂર છે. જેની સામે કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી. બીજીતરફ નડિયાદ નગરપાલિકા ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળમાં નાની આગ હોય તો તેની પર કાબુ મેળવવા માટેના ફાયર એક્સટીન્ગ્યુઝર લગાવાયેલા છે. આ ફાયર એક્સટીન્ગ્યુઝરને 8 ઑગસ્ટ, 2020ના રોજ રિફીલ કરાઈ હતી અને તેને ફરીથી રિફીલ કરવાની અંતિમ તારીખ 7 ઑગસ્ટ, 2021 હતી. આજે રિફીલ કરવાને મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં તે દિશામાં કોઈ કાર્યવાહી થયેલી જણાતી નથી. જેથી તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી અંગે સતર્કતા દાખવવાની જરૂર છે.

જ્યાં પણ ધ્યાને આવશે, પગલા લઈશુ
આ અંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેનને ફોન કરતા તેમના પતિ ચંદ્રકાન્તભાઈ વાઘેલાએ જણાવ્યુ છે કે, ફાયરની સુવિધા બાબતે જ્યાં પણ રજૂઆતો મળશે, ધ્યાને આવશે, ત્યાં પગલાં લઈશુ. સ્કૂલો, કોમ્પલેક્ષોમાં પણ તપાસ કરીશુ. નગરપાલિકામાં ફાયર એક્સટીન્ગ્યુઝર પણ રિફીલ કરાવીશુ.

અન્ય સમાચારો પણ છે...