પાણીનો વ્યય:કપડવંજ નગરપાલિકાનું નવું સૂત્ર? જળ વહાવો જીવન બગાડો, હજારો લીટર પાણીનો વેડફાટ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત પાસે પાલિકાની પાઇપલાઇનનું રિપેરીંગ બે વર્ષથી નથી કરાતું
  • સામાન્ય માણસ પાણી વહેવડાવે દંડ થાય અહીંયા તો પાલિકા જ પાણી બગાડ માટે જવાબદાર

રાજ્ય સરકારે જળ બચાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી ‘જળ બચાવો - જીવન બચાવો’ જેવા સૂત્રો સાથે આમજનને જળનો મર્યાદિત ઉપયોગ કરવાની શીખ આપે છે પરંતુ ખેડા જિલ્લામાં મોટી નગરપાલિકાઓમાં સમાવેશ થતી કપડવંજ નગરપાલિકાને જાણે આ સૂત્ર લાગુ પડતું ના હોય તેવો ઘાટ છે. જ્યારે પણ પાલિકા દ્વારા પાણી છોડવામાં આવે ત્યારે તાલુકા પંચાયત કચેરીથી લઇ છેક બસ સ્ટેશન સુધી અને ત્રિવેણી પાર્કથી નિર્માણ સોસોયટી સુધી પાણી જ પાણી રેલાયેલું હોય છે. એક જ દિવસમાં અહીંયા હજારો લીટર પાણીનો વ્યય થઇ રહ્યો છે.

સ્થાનિકોના મતે આ સમસ્યા બે ચાર દિવસે સપ્તાહથી નથી બે વર્ષ કરતાં વધુ સમયથી અહીંયા કાયમ પાણી છોડવાના સમયે આ જ પરિસ્થિતિ હોય છે. નગરપાલિકા સત્તાધીશો આનું કોઇ સોલ્યુશન લાવી શક્યા નથી. કપડવંજ નગરવાસીઓને વિસ્તારવાઇઝ દિવસ નક્કી કરી હાલ એકાંતરે પાણી પૂરું પાડવામાં આવે છે. વરાંસી પાસેના જળકેન્દ્રમાંથી નદી દરવાજા થઇ પાણી સપ્લાય કરવામાં આવે છે. જો કે, નદી દરવાજાથી બસ સ્ટેશન તરફ 500 - 600 મીટર દૂર તાલુકા પંચાયતની કચેરી આવેલી છે જેની બિલકુલ બહાર પાઇપલાઇનમાં છેલ્લા ઘણા વખતથી ભંગાણ થયું છે.

જેના કારણે જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે તે ભંગાણમાંથી હજારો લીટર પાણી વેડફાય છે. તાલુકા પંચાયત કચેરીની બિલકુલ બાજુમાં માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની અને તેની બિલકુલ બાજુમાં ડી વાય એસ પી કચેરી આવેલી છે. આમ આ રસ્તેથી દરરોજ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હોવાછતાં સમગ્ર સમસ્યા અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. જાણે પાલિકાને કઇ પડી નથી.

ડીવાયએસપી કચેરીથી આગળ ત્રિવેણી પાર્ક પાસે ત્રણ રસ્તા આવેલા છે જેમાંથી ડાબી બાજુ બસ સ્ટેશન અને સીધી શાક માર્કેટ તરફ જવાય. પાઇપલાઇનમાંથી નીકળેલું પાણીની અડધો કીલોમીટર વિસ્તારમાં રેલમછેલ થાય છે પરંતુ પાલિકાને જાણે કોઇ પરવા નથી. કોઇ સામાન્ય માણસ આ રીતે પાણી વેડફે તો તેને દંડ ફટકારવામાં આવે છે પરંતુ અહીંયા તો પાલિકાની બેદરકારીથી જ પાણીનો વેડફાટ થાય છે.

અન્ય સમાચારો પણ છે...