તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:ઈકો કારના નવા સાઈલેન્સર ચોરી જુના લગાવી દેતી ગેંગ ઝડપાઇ, કઠલાલમાં ફરિયાદ નોંધાઇ

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલમાં પણ પાર્ક કરેલી ત્રણ ઈકો કારના નવા સાઈલેન્સર બદલી જુના લગાવ્યાં હતાં
  • ભેજાબાજ આરોપીઓએ આ રીતે બારેજા, કલોલ, કડી, સાણંદમાં સાઈલેન્સરોની ચોરી કરી હોવાનું ખુલ્યું

કઠલાલમાં દોઢ માસ પહેલાં પાર્ક કરેલી ઈકો કારના સાઈલેન્સર ચોરી રેકેટના ગુનાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે આ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડતાં આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા આરોપીઓએ કઠલાલ, કલોલ, કડી અને સાણંદમાં આ રીતે બે ડઝન જેટલી ઈકો કારમાંથી સાઈલેન્સરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઈકો કારના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગના બે વ્યક્તિઓને ઝડપી લઈ આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ધોળકાના મુનાફ ઉર્ફે ડુબીયો અને તોફીક પીંજરાની અટકાયત કરી છે. આ બન્ને ઈસમો રાત્રીના અંધારામાં પાર્ક કરેલી ઈકો કારના નવા સાઈલેન્સરોને કાઢી કારમાં જુના સાઈલેન્સરોને લગાવી દેતાં હતાં. જેની ગંધ કાર માલિકને પણ ન આવતી.

આ નવા સાઈલેન્સરોમાંથી પ્લેટેનિયમના એક કિલોના રૂપિયા 10 હજાર ઉપજતાં હોવાથી આરોપીઓ આ ચોરીને અંજામ આપતા હોવાનુ પોલીસ સમક્ષ જણાવ્યું છે. કઠલાલ, સાણંદ, કલોલ અને કડીમાંથી આ રીતે 24 જેટલા ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. આ સાથે પોલીસે કાર મળી કુલ રૂપિયા એક લાખ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ રેકેટમાં અન્ય તેના સાગરીતો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આજે કઠલાલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ જવા પામી છે. કઠલાલ આઝાદપોળમાં રહેતા ગૌરાંગ જોશીની ફરિયાદમાં જણાવાયું છે કે, ગત એપ્રિલ માસની 24મીથી બીજા દિવસ સવાર સુધી અમે અને અહીંયા રહેતા કલ્પેશ પ્રજાપતિ તથા રોનક પારેખ અમારી ત્રણેય લોકોની ઈકો કાર સરસ્વતી સ્કૂલના ગેટ આગળ પાર્ક કરીએ છીએ. દરરોજ આ રીતે પાર્ક કરીએ છીએ. ઉપરોક્ત તારીખે કોઈ અજાણ્યા ઈસમોએ અહીંયા પાર્ક કરેલ આ ત્રણેય ઈકો કારના નવા સાઈલેન્સરની ચોરી કરી જુના લગાવી દીધા હતા.

ગત ચાર જુનના રોજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે જાણ કરતાં આ ઘટનાની જાણ થઈ હતી. જે બાદ તપાસ કરાવતાં આ ત્રણેય કારના સાઈલેન્સરો જુના હોવાનું જાણવા મળ્યું હતું. આમ ત્રણેય ઈકો કારના ત્રણ સાઈલેન્સરો કુલ રૂપિયા એક લાખ 20 હજારના કિંમતની ચોરી કરી હોવાની ફરિયાદ કઠલાલ પોલીસ મથકે નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...