ખેડા જિલ્લાના નડિયાદમાં ચાર મહિના અગાઉ બનેલા દુષ્કર્મના બનાવમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે. જેમાં શખ્સે મંદબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આવા નરાધમને ખુલ્લા પાડી કડકમાં કડક સજા કરવાનું નક્કી કર્યું છે. જેથી આજે સેશન્સ કોર્ટે આરોપીને આ ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
નડિયાદ શહેરના જવાહરનગર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા સુરેશ ગોવિંદ લાલવાણીએ 10મી ઓગસ્ટ 2021ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં મંદબુદ્ધિની એક યુવતીને મકાનમાં લઈ જઇ તેણીની અક્ષમતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે પીડીતાના ભાઈએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સુરેશ લાલવાણી સામે આઈપીસી કલમ 376(2) (એલ) મુજબ ગુનો નોંધ્યો હતો. આ બાદ આરોપીની ધરપકડ કરી પૂરતા પુરાવાઓ મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
શનિવારે આ કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ડી.આર. ભટ્ટે સરકારી વકીલ એમ.વી. દવેએ આ કેસમાં રજૂ કરેલા 11 જેટલા લેખિત દસ્તાવેજો તેમજ 12 સાહેદોની જુબાની લેવામાં આવી હતી. જેના આધારે સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી સુરેશભાઈ ગોવિંદ લાલવાણીને આઈપીસી કલમ 376(2)(એલ)ના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ, અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.
હવસખોર આરોપી પરણિત અને તેને 17 વર્ષનો છોકરો પણ છે
આરોપી સુરેશભાઈ લાલવાણી હાઉસીંગ બોર્ડમાં પત્ની અને 17 વર્ષીય દીકરા સાથે રહેતો હતો. તે ખૂબ જ દારૂ પીતો હતો અને પત્નીને ગાળો બોલીને નાની-નાની વાતે ઢોર માર મારતો હતો. એટલે ઘટનાના દિવસે તેમી તેના પિયર જતી રહી હતી.
ઘરમાં પત્ની ન હોવાનો લાભ ઉઠાવી નરાધમે મંદબુદ્ધિની મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું
આરોપીની પત્ની છેલ્લા 15 દિવસથી ઘરે નહોતી. જેનો લાભ ઉઠાવીને નરાધમ મંદબુદ્ધિની મહિલાને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. જેથી પાડોશીને પણ તેના દુષ્કૃત્યની ગંધ આવી નહોતી. જ્યારે પીડિતાના ભાઈઓ આરોપીના ઘરે તેને લેવા આવ્યા ત્યારે આજુબાજુવાળાને ઘટના વિશે ખબર પડી હતી.
કોર્ટે 11 લેખિત અને 12 સાહેદોની જુબાની સાંભળી
કોર્ટમાં કેસ સબંધીત કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે 11 લેખિત દસ્તાવેજી પુરાવા તેમજ 12 સાહેદોની જુબાની રજુ કરી હતી. જેના આધારે કોર્ટે આરોપીને સખત કેદની સજા ફટકારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.