સજા:કઠલાલની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા નરાધમને નડિયાદની સ્પે.કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પે.કોર્ટના જજ ડી.આર.ભટ્ટે સરકારી વકીલે રજૂ કરેલા પૂરવાને નજરમાં રાખી આરોપીને સજા સંભળાવી
  • આરોપીને સજા ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો

કઠલાલ તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જઈ તેણીની સાથે દુષ્કર્મ આચરનારા કુહાનાં યુવકને નડિયાદ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામે રહેતો વિપુલ માધાજી ડાભીએ ખેડા જિલ્લાના કઠલાલના એક ગામે રહેતી 16 વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. શખ્સ 23 સપ્ટેમ્બર 2020ના રોજ આ સગીરાને ભગાડી ગયો હતો અને તેણીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે કઠલાલ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે IPC કલમ 363,366, 376(1), 376(3) તથા પોક્સો એકટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ નડિયાદની કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ નડિયાદની સ્પે.કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે સરકારી વકીલ પી.આર.તીવારી એ રજૂ કરેલા આશરે 15 જેટલા દસ્તાવેજી પુરાવા તથા 10 સાહેદોના મૌખીક પુરાવાઓ નજરમાં લિધા હતા. આ ઉપરાંત વકીલ પી.આર.તીવારીએ ધારદાર દલીલ કરી હતી.

આ તમામ બાબતોને નજરમાં રાખી સ્પે.જજ ડી.આર.ભટ્ટે આરોપી વિપુલ ડાભીને આઈપીસી 363, 366, 376(3), 376(1) કલમો અંતર્ગત તેમજ પોક્સોની કલમ હેઠળ 20 વર્ષની સજા ફટકારી છે. સાથે સાથે દંડ પણ ફટકાર્યો છે. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...