વિરૂદ્ધ પ્રચાર કરતાં હુમલો કર્યો:નડિયાદના નાનાવગા ગામે "ચૂંટણીમાં અમારા વિરૂદ્ધ કેમ પ્રચાર કર્યો" કહી એક વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કરાયો

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘવાયેલા વ્યક્તિને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયે પખવાડિયા જેટલો સમય વિત્યો છે. તેમ છતા પણ આ બાબતની અદાવતના ઝઘડાઓ અટકવાના નામ નથી લઈ રહ્યા. નડિયાદના નાનાવગા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં "અમારા વિરૂદ્ધ કેમ પ્રચાર કર્યો" તેમ કહી એક શખ્સે એક વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કર્યો છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

નડિયાદ તાલુકાના નાનાવગા ગામે રહેતા 34 વર્ષિય ગોપાલભાઈ રામસિંહ સોઢા પોતે એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મંગળવારે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ ગામની દૂધ મંડળી પાસે આવેલ દુકાને મસાલો ખાવા ગયા હતા. આ દરમિયાન ગામમાં રહેતો શનાભાઈ અમરાભાઈ સોઢા ત્યાં ધસી આવી "ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારા વિરૂદ્ધ કેમ પ્રચાર કર્યો" તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો.

જેથી ગોપાલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા શનાભાઈ ઉશ્કેરાઈ ગયા હતો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ એકાએક શનાભાઈએ પોતાના ઘરેથી ધારીયું લઈ આવી ગોપાલભાઈ પર હુમલો કર્યો હતો. જોકે ગોપાલભાઈ એકાએક નીચે નમી જતાં ધારીયાની ચાંચ તેમના હાથ પર વાગી ગઈ હતી. આ બાદ આસપાસના લોકો દોડી આવી બંન્નેને શાંત પાડ્યા હતા.

ઘવાયેલા ગોપાલભાઈને તુરંત 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કર્યા બાદ આ અંગે ગોપાલભાઈ સોઢાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં હુમલો કરનાર શનાભાઈ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...