• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Nadiad's Wife Was Physically And Mentally Tortured By Her In laws Due To Dowry, Rs. A Complaint Was Registered Demanding Rs 50,000 And Dismissal

દહેજના ત્રાસે ઘર સંસાર ઉજાડ્યો:નડિયાદની પરિણીતાને સાસરીયાંએ દહેજના કારણે શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, રૂ. 50 હજારની માંગણી કરી કાઢી મૂકતાં ફરિયાદ નોંધાઇ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ શ્રીમંત પ્રસંગે ઓછા દર દાગીના આપ્યા હોવાનું જણાવી મહેણાં ટોણાં મારતો હતો
  • સાસુ-સસરાએ દાગીના કહ્યા વગર ગીરવે મૂકી દીધા, દેરાણીએ કામકાજ બાબતે ત્રાસ આપ્યો
  • પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને દેરાણી સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે દહેજના કારણે ફરી એક વખત સુખી સંસાર પર ગ્રહણ લાગ્યું છે. દહેજના કંકાસે પરિણીતાનું ઘર ઉજાડતાં 18 વર્ષની દીકરી અને 16 વર્ષના દીકરાનું જીવન અંધકારમય બન્યું છે. પરિણીતાએ આ મામલે પોતાના પતિ, સાસુ-સસરા અને દેરાણી સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કરમસદ ખાતેની સંદેસર ચોકડી નજીક રહેતી 46 વર્ષિય મહિલાનાં લગ્ન વર્ષ 2003માં નડિયાદના મંજીપુરા રોડ પર રહેતા જયેશ કાનજી વાળા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરે ગઈ હતી. શરૂઆતના દિવસોમાં તેના સાસરિયાઓએ પરિણીતાને સારી રીતે રાખતા હતા. જ્યાં સમય જતાં પરિણીતાએ એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો. જે પૈકી દીકરી હાલ 18 વર્ષની છે તો દીકરો 16 વર્ષનો છે.

પીડિતાના સાસુ અને સસરા ઘરનાં કામકાજ બાબતે તેણીને હેરાન-પરેશાન કરતા હતા. ઉપરાંત શ્રીમંત પ્રસંગે પીડિતાએ પોતાના પિયરમાંથી લાવેલા દરદાગીના તેણીના સાસુ-સસરાએ તેણીને જાણ કર્યા વગર ગીરવે મૂકી દીધા હતા. તેમજ "અમારી જ્યારે સગવડ થશે ત્યારે આ દાગીના છોડાવી આપીશું" તેમ કહી બહાના કાઢતા હતા. સાથે સાથે પરિણીતાનો પતિ શ્રીમંત પ્રસંગે ઓછા દર દાગીના આપ્યા હોવાનું જણાવી મહેણાં ટોણાં મારતો હતો.

દોઢેક માસ અગાઉ પીડિતાના સાસુ-સસરાએ પીડિતા પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે આ માંગણી ન સંતોષતાં તેણીની ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ સાથે પીડિતાની દેરાણી ઘરનાં કામકાજ બાબતે મારામારી અને ચઢામણી કરતાં હતાં. તેમજ પીડિતાને "તારો પતિ કશું કમાતો નથી મારા પતિનું કમાયેલું ખાય છે, જેથી તમારે મારા કહ્યામાં જ રહેવાનું" તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

પીડિતાએ પોતાના દરદાગીના માટે પોતાના સાસુ-સસરાને જણાવતા તેમણે તેણીની સાથે ઝઘડો કરી તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેના બાદ પરિણીતાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી હતી ઉપરાંત સમજાવટ બાદ પણ સાસરીયાના લોકો પીડિતાને સ્વીકારવા તૈયાર નહોતા. ઉપરાંત પીડિતાના સંતાનો એક યુવતી અને અન્ય એક કિશોર અવસ્થાના હોવાથી પીડિતા ગમ ખાઈને આ બધું સહન કરતી હતી. પરંતુ સાસરીવાળામાં કોઈ સુધારો ન આવતાં કંટાળેલી પરિણીતાએ આ સંદર્ભે નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના પતિ જયેશ કાનજી વાળા, સાસુ ગીતા વાળા, કાનજી આશાભાઈ વાળા અને દેરાણી રશ્મિકા કિરણ વાળા (તમામ રહે. બી/4 સાગરપાર્ક સોસાયટી, મંજીપુરા રોડ, નડિયાદ) સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...