સ્વચ્છતામાં નડિયાદ અવ્વલ સ્થાને:સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની પાલિકાઓમાં નડિયાદ 4થા નંબરે

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં સફાઈ માટેની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરાતા સ્વચ્છતામાં નડિયાદ અવ્વલ સ્થાને રહ્યું

રાષ્ટ્રીય કક્ષાએથી થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં નડિયાદ નગરપાલિકાએ ખાસ્સી સફળતા મેળવી છે. ગયા વર્ષે રાજ્યની નગરપાલિકાઓમાં નડિયાદ પાલિકા સફાઈ બાબતે 10માં ક્રમે રહી હતી. ત્યારે આ વર્ષે સ્ટેટ લેવલે સફાઈના બાબતે નડિયાદ ચોથા ક્રમે આવી ગયુ છે. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓના મતે સફાઈની પદ્ધતિમાં સમાયાંતરે જરૂરીયાત મુજબના ફેરફાર અને જાગૃતતા દાખવતા નડિયાદ સફાઈમાં નેશનલ બુકમાં અપગ્રેડ થયુ છે.

નેશનલ ટીમ દ્વારા દર વર્ષે નગરો અને મહાનગરોમાં ખાનગી રીતે સ્વચ્છતાનો સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ સ્કોર આપીને રાષ્ટ્રીય કક્ષાએ અને જે-તે રાજ્ય કક્ષાએ નગરપાલિકાઓને સર્વેના આધારે રેન્કીંગ આપવામાં આવે છે. ચાલુ વર્ષે કરાયેલા સર્વેમાં નગરપાલિકા ગયા વર્ષ કરતા અપગ્રેડ થયાનું નોંધાયુ છે. ગયા વર્ષના સર્વેમાં નડિયાદ નગરપાલિકા રાજ્યમાં 10માં ક્રમે હતી. આ વર્ષે પાલિકા ચોથા ક્રમાંકે રહી છે. આ પાછળ નડિયાદ નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે.

ઉપરાંત રાત્રિ સફાઈને પ્રાધાન્ય આપી મુખ્ય રસ્તાઓની સફાઈ ચાલી રહી છે. વળી, શહેરમાં મોટા બજારો અને મુખ્ય રસ્તાઓ પર ટ્રેક્ટરો ફાળવી દિવસ દરમિયાન થતો કચરો ઉઘરાવી સીધો ડમ્પીંગ સાઈટ પર ઠાલવાઈ રહ્યો છે. ડોર ટુ ડોર કચરાની ઉઘરાણી પર પણ ભાર મુકવામાં આવ્યો છે.

ગયા વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે નગરપાલિકા સફાઈ મુદ્દે અપગ્રેડ થયાનું સર્ટીફીકેટ રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણની ટીમમાંથી મળતા હવે નડિયાદમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરી હોવાનું જણાઈ રહ્યુ છે. જો કે, હજુ કેટલાક આંતરીયાળ વિસ્તારમાં ગંદકીના ઢગ દેખાઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં ચોક્કસ નીતિ સાથે કામગીરી થાય તો આગામી વર્ષે પ્રથમ ક્રમાંક પણ મેળવવાના ચાન્સ છે.

રાષ્ટ્રીય કક્ષાએ 186થી 151 ક્રમાંકે પહોંચી
રાજ્ય કક્ષાએ ચોથા નંબરે આવેલી નગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાએ 151માં ક્રમે રહી છે. નેશનલ સર્વેમાં નોંધાયેલી વિગતો મુજબ ગયા વર્ષે નડિયાદ નગરપાલિકા 186માં ક્રમાંકે હતી. આ વર્ષે સફાઈ બાબતે સજાગતા દાખવ્યા બાદ નડિયાદ નગરપાલિકા 151માં ક્રમે આવી પહોંચી છે. નડિયાદ નગરપાલિકાને રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં 2868.72 સ્કોર સાથે 57માં નંબરે રહી છે.

રાત્રિના તમામ મુખ્ય રસ્તા સ્વચ્છ થાય છે
નડિયાદ નગરપાલિકાના મુખ્ય રસ્તા પૈકી મીલ રોડ સર્કલથી સરદાર ભવન થઈ, નગરપાલિકા, બસ સ્ટેન્ડ, સંતરામ રોડ, મહા ગુજરાતથી છેક વાણીયાવાડ સુધી જ્યારે વાણીયાવાડથી કીડની તરફ, સંતઅન્ના સ્કૂલથી એસ. ટી. નગર તરફ, મહા ગુજરાતથી ડાકોર રોડ સાઈબાબા મંદિર સુધીના મુખ્ય રસ્તાઓ રાત્રિ સફાઈમાં સ્વચ્છ કરવામાં આવે છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહી જે-તે વિસ્તારમાં થતી ગંદકી અને કચરો દૂર કરવા પ્રયત્ન કરાય છે. -મંયક દેસાઈ, ચીફ સેનેટરી ઈન્સપેક્ટર

સર્વેક્ષણની ટીમ સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા વગર જ સર્વે કરતી હોય છે
નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કક્ષાએથી કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણની જાણ સ્થાનિક પ્રશાસનને પણ હોતી નથી. જે ટીમ સર્વે માટે આવી હોય, તે ગમે તે વિસ્તારમાં જઈ, સ્થાનિકો સાથે વાતચીત કરી, જે-તે વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ જોઈ અને સ્કોર તૈયાર કરતી હોય છે. જેના આધારે રેન્કીંગ નક્કી થાય છે.

અન્ય સમાચારો પણ છે...