ચર્ચા વિચારણા:વેજ-નોનવેજ સંદર્ભે નડિયાદ નગરપાલિકા હજુ અસમંજસમાં

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીની સૂચનાનું પાલન થાય તો નગરપાલિકાએ દ્વાર પાસેથી જ કાર્યવાહી શરૂ કરવી પડે તેવી નોબત

આખા રાજ્યમાં વેજ-નોનવેજની લારીઓ સંદર્ભે ચાલી રહેલા વિવાદમાં નડિયાદ નગરપાલિકાને હજુ કંઈ સમજાઈ રહ્યુ નથી. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી પાડોશી જિલ્લાના તાલુકામાં આવી આ સંદર્ભે સ્પષ્ટતા પણ કરી ગયા. તેમ છતાં હજુ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફીસર સાથે મીટીંગ કરવાની રાહે છે. જ્યારે ચીફ ઓફીસર સરકારી જાહેરનામુ હાથે લાગે તો તેની અમલવારી કરવાના મૂડમાં છે. રાજ્યભરમાં ફૂટપાથ પર ઉભી રહેતી વેજ-નોનવેજની લારીઓનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

ત્યારે ગઈકાલે પેટલાદ તાલુકામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, જેને જે ખાવુ હોય એ ખાય. લારીનો ખોરાક હાનિકારક ન હોવો જોઈએ. જો દબાણની વાત હોય તો પછી સ્થાનિક પ્રશાસન હટાવી જ શકે છે, તેમાં વેજ-નોનવેજનો કોઈ પ્રશ્ન નથી. ત્યારે આ સમગ્ર મામલે નડિયાદ નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. છેલ્લા ચારેક દિવસથી નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓ માત્રને માત્ર મિટીંગ કરવાની વાત કરી રહ્યા છે. ઉપરાંત ચીફ ઓફીસર પણ પોતાની પાસે સત્તા ન હોવાથી કંઈ કહી શકે તેમ ન હોવાનું રટણ કરી રહ્યા છે.

જેના કારણે નડિયાદમાં આ અંગે કાર્યવાહી થશે કે કેમ? જો કાર્યવાહી થાય તો કયા એકમો અને વેપારીઓ સામે થશે? આ તમામ પ્રશ્નો ઉભા થયા છે. તે તમામ બાબતોએ અસમંજસની સ્થિતિ સર્જાયેલી છે. નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પાલિકા દબાણો હટાવવાની અને ફૂટપાથ તેમજ જાહેર રોડ પરથી વેજ-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરશે તો તેમના પાલિકાના સંકુલની બહારથી જ કાર્યવાહી શરૂ કરવી પડશે.

આગામી બે દિવસમાં નિર્ણય કરીશુ
મુખ્યમંત્રીએ વેજ-નોનવેજની લારીઓ સંદર્ભે પેટલાદમાં જે વાત કહી તે બાબત અમારા ધ્યાનમાં છે. આ અંગે ચી‌ફ ઓફીસર સાથે બેઠક કરી આગામી એકાદ બે દિવસમાં નિર્ણય લેવાશે. કાર્યવાહી થશે તો મુખ્યમંત્રીના મંતવ્ય મુજબ વેજ-નોનવેજ બંનેની સામે થશે. - ચંદ્રકાન્ત વાઘેલા, પ્રમુખપતિ

મનપા પાસે સત્તા છે, પાલિકા માટે કોઈ આદેશ નથી
રાજ્ય સરકારનો હજુ કોઈ પરીપત્ર મળ્યો નથી. મહાનગરોમાં ચાલી રહેલી ઝુંબેશ માટે તો ત્યાં કમિશ્નરો પાસે સત્તા છે. નગરપાલિકાની હાયર ઓથોરીટી રીજીયોનલ મ્યુનિ. કમિ. છે. આ સંદર્ભનો કોઈ સત્તાવાર આદેશ મળશે એટલે એ દિશામાં કામગીરી હાથ ધરીશુ. - રૂદ્રેશ ઉઘટ, ચીફ ઓફીસર

​​​​​​​લારીમાં સસ્તી વેચાતી ચીજ વસ્તુઓ મોંઘી વેચાશે
જો આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાશે, તો નાના લારી ચલાવતા લોકોની હાલત ખેડૂતો જેવી થશે. જે ચિકનદાના લારી પર 25ના 100 ગ્રામ મળતા હોય તે મોટી બ્રાન્ડેડ દુકાનમાં જઈને 100 રૂપિયાના 100 ગ્રામ ખાવાનો વખત આવશે. વેપારીઓના હિતનો પણ વિચાર કરવો જોઈએ. મોટી સંખ્યામાં લોકો પોતાનું ગુજરાન આવા ધંધાથી ચલાવતા હોય છે. - અબ્દુલ વારસી, વેપારી

અન્ય સમાચારો પણ છે...