• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Nadiad Municipal Corporation President's Husband Protests Against Atrocities Petition Against Journalist, Journalists Submit To District Superintendent Of Police

ખોટી હેરાનગતિ બંધ કરવા માંગ:નડિયાદ પાલિકા પ્રમુખના પતિએ પત્રકાર સામે આપેલી એટ્રોસિટીની અરજી સામે વિરોધ, પત્રકારોની જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્રકાર પાલિકા પ્રમુખના પતિ અને ઉપપ્રમુખ વચ્ચે ચાલતી આક્ષેપબાજીનું રીપોર્ટિંગ કરવા ગયા હતા
  • પ્રમુખના પતિએ પાલિકા સભ્યોની સાથે પત્રકાર સામે એટ્રોસિટી મુજબની ફરિયાદ કરવા અરજી આપી
  • પત્રકારોને ખોટી ફરિયાદમાં ન સંડોવવામાં આવે તે બાબતનું ધ્યાન રાખવા ખેડા-આણંદના પત્રકારોની માંગ

નડિયાદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ખેંચતાણ ચાલે છે. આ બાબતના સમાચારનું કવરેજ કરવા ગયેલા એક પત્રકારને તેનો અવાજ દબાવવા માટે સત્તાધીશ પક્ષના મહિલા પ્રમુખના પતિએ નડિયાદ ટાઉન પોલીસમાં એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા અરજી આપી હોવાનું બહાર આવ્યું છે. કવરેજ કરવા જતા પત્રકારોનો અવાજ દબાવવા માટે ખોટી અરજી આપી ખોટી હેરાનગતી ઉભી કરી હોવા બાબતે પત્રકારોએ આજે સોમવારે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે.

ખેડા તેમજ આણંદ જિલ્લાના પત્રકારોએ ભેગા થઈને જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમે પત્રકાર મિત્રો દેશ રાજ્ય અને સમાજમાં માનવતા દીપે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દેશના સામાજિક રાજકીય દુષણો ખુલ્લા પડે અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત અને પારદર્શી બને તે માટે પ્રસાર માધ્યમો દ્વારા પરિસ્થિતિનું વાસ્તવિક દર્પણ બની પ્રામાણિક કામ કરીએ છીએ. તાજેતરમાં જ પત્રકાર કરૂણેશ પંચમવેદી નડિયાદ નગરપાલિકામાં પોતાની કામગીરી માટે પહોંચ્યા હતા. અહીં નગરપાલિકા ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલાના પતિ ચંદ્રકાંતભાઈ વાઘેલા પાલિકામાં કરવામાં આવતા વહીવટ બાબતે રાજકીય હુંસાતુંસી અને આક્ષેપબાજી ચાલી હતી. જેના અહેવાલનું રિપોર્ટિંગ કરવા તેઓ પહોંચ્યા હતા.

દરમિયાન કરૂણેશભાઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નને લઈ નડિયાદ નગરપાલિકા પ્રમુખના પતિ ચંદ્રકાંતભાઈ પાછલા દરવાજેથી પાલિકામાંથી નીકળી ગયા હતા. તે દરમિયાન જ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર જીગર બ્રહ્મભટ્ટે આ પત્રકાર સાથે મગજમારી કરી હતી અને મોબાઈલ છીનવી લીધો હતો. આ બનાવ બાદ તમામ બાબત શાંત પડી ગઈ હતી, પરંતુ પાછળથી મહિલા પ્રમુખના પતિએ નડિયાદ ટાઉન પોલીસમાં પાલિકાના બે સભ્યોની સાથે સાથે પત્રકારને પણ નિશાન બનાવી એટ્રોસિટી મુજબની ફરિયાદ કરવા માટે અરજી આપી હતી.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે અમે નડિયાદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર જીગર બ્રહ્મભટ્ટ દ્વારા કરાયેલા આ કૃત્યને સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ તેમને આશા છે કે તેમની આ રજૂઆત ધ્યાનમાં રાખી પત્રકારોને થતી હેરાનગતિ રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ખોટી ફરિયાદમાં પત્રકારોને સંડોવી દેવામાં ન આવે તે બાબતે પણ ધ્યાન રાખવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...