ભાસ્કર વિશેષ:રાજ્ય કક્ષાની વોટર પોલો ટુર્ના.માં નડિયાદ પ્રથમ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલિયાપુરા સ્પોર્ટસ સંકુલ ખાતે ટુર્ના. યોજાઇ હતી. - Divya Bhaskar
સાવલિયાપુરા સ્પોર્ટસ સંકુલ ખાતે ટુર્ના. યોજાઇ હતી.
  • નડિયાદ ની ટીમે વડોદરાને 22-4 તથા ફાઈનલમાં રાજકોટને 9-3 થી હરાવી

નડિયાદ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ બન્યા બાદ શહેરની ટીમે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કાઠું કાઢ્યું છે. એઇજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2021 અંતર્ગત રમાયેલ વોટર પોલો ટુર્નામેન્ટમાં રાજ્યના બે મહાનગરોની ટીમને હરાવી નડિયાદની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ આવી છે. શહેરના સાવલિયાપુરા સ્પોર્ટસ સંકુલ ખાતે આવેલ સ્વિમિંગ પુલ પર ગુજરાત સ્ટેટ એઇજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્પિયનશીપ અંતર્ગત વોટર પોલો ટુર્નામેન્ટમાં નડિયાદ, વડોદરા અને રાજકોટની ટીમો વચ્ચે ટક્કર જામી હતી. જેમાં નડિયાદની ટીમે વડોદરાને 22-4 તથા ફાઈનલમાં રાજકોટને 9-3 થી હરાવીને ચેમ્પિયન બની છે. સ્પર્ધાની શરૂઆતથી જ નડિયાદની ટીમે આક્રમણ વલણ દાખવ્યું હતું. જેના કારણે ટીમને આ સફળતા મળી છે. આમ સમગ્ર સ્પર્ધા દરમિયાન રાજકોટ બીજા અને વડોદરા ત્રીજા ક્રમે રહ્યા છે.

ટુર્નામેન્ટના આયોજનમાં નડિયાદ નગરપાલિકા તેમજ ખેડા ડિસ્ટ્રિક્ટ એક્વેટિક એસોસિયેશનનો સહકાર રહ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન એશોસીએસન સેક્રેટરી જતીન શાહ, મયંક પટેલ, અલ્પેશ પટેલ, તથા સ્નેહલ શાહ, સુનીલભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ રેફરી તથા ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન તરફથી કમલેશ નાણાવટી હાજર રહ્યા હતા.

નડિયાદની ટીમે આક્રમક શરૂઆત કરી પ્રથમ મિનિટમાં જ 3 ગોલ કર્યા
કોમ્પિટિશનની શરૂઆતમાં વડોદરા સાથે રમતા નડિયાદની ટીમે પ્રથમ એક મિનિટમાં જ 3 ગોલ કરી દીધા હતા. ટીમની આક્રમક શરૂઆત જોતા વડોદરા મહાનગરની ટીમ ઢેર થઈ ગઈ હતી. જેના કારણે સ્પર્ધાના અંતે નડિયાદ 22 જ્યારે વડોદરા માત્ર 4 ગોલ પર સીમિત રહ્યું હતું.

39 પૈકી 13 ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે
નડિયાદ ખાતે યોજાયેલ વોટરપોલોની ગેમમાં નડિયાદ, વડોદરા અને રાજકોટની ટીમના કુલ 39 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી પસંદગી પામેલા 13 ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે બેંગલોર ખાતે જશે.

અન્ય સમાચારો પણ છે...