હત્યારા પ્રેમીને આજીવન કેદ:નડિયાદના હાથજમાં રહેતા વિધર્મી યુવકે પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાખતાં નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

નડિયાદ6 મહિનો પહેલા
  • નડિયાદ કોર્ટે અન્ય બે લોકોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી દીધા
  • આરોપીએ રીક્ષાના બ્રેક વાયરથી ગળામાં આંટી મારી ગળે ટુંપો આપી મોત નીપજાવ્યું હતું

નડિયાદના હાથજમાં રહેતા વિધર્મી યુવકે પરિણીત પ્રેમિકાને પામવા માટે તેના બે મિત્રોની મદદથી પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. આ બનાવમાં નડિયાદ કોર્ટે પ્રેમીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે લોકોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી દીધા છે.

નડિયાદ તાલુકાના હાથજ ભંડેરી ફળીયા રહેતા જમીરખાન પરબતખાન ભંડેરીને એક હિન્દુ યુવતી પસંદ પડી હતી. આ યુવતીના ગાંધીનગર જિલ્લાના કડી તાલુકાના વીડજમાં રહેતા વાધુજી મહિપતસિંહ વાઘેલા સાથે લગ્ન થઈ ગયા હતા. અવારનવાર એ હાથજ ખાતે આવતી હોવાથી તેણી જમીરખાનના સંપર્કમાં હતી અને બંને વચ્ચે પરિચય બાદ સંબંધ થયો હતો.

યુવતીનો પતિ વાધુજી મહિપતસિંહ આ પ્રેમસંબંધમાં કાંટારૂપ બન્યો હોય તેને દૂર કરવા માટે જમીરખાને પ્લાન બનાવ્યો હતો. યુવતી પોતાના પિયરમાં આવી હતી. નડિયાદમાં તેની દવા ચાલતી હોઈ તે પિયરમાં રહી દવા કરાવતી હતી. પત્નીને લેવા માટે તેનો પતિ હાથજ ગામમાં આવ્યો હતો. તેમજ તેને દારૂ પીવાની ટેવ હોઈ હાથજમાં રહેતા જમીર સાથે તેની મિત્રતા બંધાઈ હતી.

રીક્ષાના બ્રેક વાયરથી ગળામાં આંટી મારી મોત નીપજાવ્યું

આ મિત્રતાનો લાભ લઇ વાધુજીનો કાંટો કાઢી નાખવા તા. 9મી જાન્યુઆરી, 2018ના રોજ વાધુજીને નડિયાદ બોલાવ્યા હતો. તેમજ નડિયાદ કબ્રસ્તાન નજીકથી જમીરે CNG રીક્ષામાં બેસાડી કમળા ચોકડી ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર જઈ રીક્ષામાં ગેસ પુરાવી દુકાન ઉપ૨થી જીરા સોડાની બોટલ લઈ તેમાં ઘેનની ગોળીઓનો ભુકો કરી સોડામાં નાખ્યો હતો. ત્યાંથી રીક્ષા લઈ ડભાણ ગામની સીમ ગુરુકુળની પાછળ નહેર ઉપર તેઓ આવ્યા હતા. જ્યાં જમીર સાથે તેના બે મિત્રો પણ હતા. દારૂની બોટલમાં ઘેનની ગોળીઓવાળી સોડા નાખી વાઘુજીને દારુ પીવડાવવાથી મૃતક બેભાન થઇ ગયો હતો.

ઉપરાંત મૃતકને રીક્ષામાં બારેજા સુધી લઈ જઈ બારેજાથી ખેડા તરફ પરત આવતાં રસ્તામાં આરોપીઓએ મૃતકના પાકીટમાંથી રૂ. 4 હજાર 700 તથા એક ઈન્ટેક્ષ કંપનીનો મોબાઈલ ફોન કાઢી લીધો હતો. તેમજ ખેડા-મહેમદાવાદ રોડ પરના દેદ૨ડા તરફ જવાના રોડ નજીક આવેલા ગામની સીમમાં આવ્યા હતા. જ્યાં ગાંડા બાવળની ઝાડીમાં અંધારામાં તકનો લાભ લઈ જમીરે મૃતક વાઘુજીને રીક્ષાના બ્રેક વાયરથી ગળામાં આંટી મારી ગળે ટુંપો આપી મોત નીપજાવ્યું હતું. તેમજ પુરાવાનો નાશ કરવા વાધુજીની લાશને બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી.

પોલીસે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી

બીજા દિવસે ખેડા પોલીસને લાશ મળી હતી પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરતા આ લાશ વાધુજી મહિપતસિંહ વાઘેલાની હોવાનું બહાર આવતા પોલીસે લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી હતી. જેમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મરનારના ભાઈ રવજીભાઈની ફરિયાદના આધારે જે તે વખતે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં તપાસ કરતા સમગ્ર ભેદ ખૂલ્યો હતો. જેથી પોલીસે હત્યારા જમીર, વસીમખાન અને અલ્ફાક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.

આરોપીને આજીવન કેદની સજા

આ કેસ નડિયાદના એડી. સેશન્સ જજ ડી.આર. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.આર.તીવારીએ કોર્ટમાં 61 દસ્તાવેજી પુરાવાઓ તથા 38 મૌખીક પુરાવાઓ રજુ કર્યા હતા. આ તમામ પુરાવાઓ ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી જમીરખાન પરબતખાન ભંડેરીને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે આ કામે આરોપી વસીમખાન ઉર્ફે ચિનો યુસુફખાન પઠાણ તથા આરોપી અલ્ફાફ ઉર્ફે કાલીસ હુસૈન પઠાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...