જામીન અરજી ના મંજૂર:નડિયાદમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો મામલો, નડિયાદ કોર્ટ એકની આગોતરા જામીન અરજી ફગાવી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી
  • ધરપકડથી બચવા નાસતા ફરતા આરોપીએ આગોતરા જામીન અરજી મુકી હતી

નડિયાદમાં અઢી મહિના અગાઉ ચાર વ્યાજખોરોએ ભેગા મળી એક યુવાનને વ્યાજ તેમજ ઉઘરાણી મુદ્દે માનસિક ત્રાસ આપતા આ ત્રાસથી કંટાળી ગયેલા યુવાને ગળે ફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં 4 વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસની ધરપકડથી બચવા નાસતા ફરતા આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી જે અરજીને નડિયાદ કોર્ટે ફગાવી છે. નડિયાદ શહેરના મિશન રોડ પર આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય કલ્પેશ જયંતિભાઈ મકવાણા નામના યુવકે ગત 14 સપ્ટેમ્બર 2021ના રોજ સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દરમિયાન મૃતકના ચડ્ડાના ખીસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક કલ્પેશે પોતાની આપવીતી જણાવી તેના મિત્રોથી કંટાળી આપઘાત કર્યો હોવાનું દર્શાવ્યું હતું. આ સુસાઈડ નોટોના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે અગાઉ પોતાના મિત્રો સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા (રહે. મધર ટેરેસા સોસાયટી, મિશન રોડ, નડિયાદ), આશીષ મહેન્દ્ર પરમાર (રહે. જય વિજય કોલોની, રામતલાવડી, નડિયાદ) અને અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા (રહે. સૌજન્ય પાર્ક, મિશન રોડ, નડિયાદ) પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા. જેની મોટાભાગની વ્યાજની રકમ પણ ચૂકવતો હતો. પરંતુ આ તમામ લોકો ત્રણ દિવસનું 10 હજારનું 3 હજાર વ્યાજ લેતા હતા. તેથી આ બમણું વ્યાજ વસૂલતા કલ્પેશે પોતાના મિત્રો સાથે નારાજગી દર્શાવી હતી. ઉપરાંત કલ્પેશનો અન્ય એક મિત્ર જયદીપ ઉર્ફે જે. ડી. શશીકાંત ગોહિલ (રહે. કમલેશ પાર્ક સોસાયટી, મિશન રોડ, નડિયાદ) એ પણ અર્પિત ઉર્ફે અપ્પુ પાસેથી વ્યાજે રૂપિયા 1 લાખ 35 હજાર લીધા હતા. જેમાં મરણજનાર વચ્ચે રહ્યો હતો. તેથી જયદીપ ઉર્ફે જે. ડી. ફસકી જતાં તમામ વ્યાજની જવાબદારી કલ્પેશ પર આવી ગઈ હતી. અને તે પોતાના વ્યાજની સાથે સાથે તેના મિત્ર જયદીપ ઉર્ફે જેડીનું પણ વ્યાજ ભરવા મજબુર થવું પડ્યું હતું. મૃતકે લીધેલા નાણાંથી બમણું વ્યાજ વસૂલતા તેના પર દબાણ કરવામાં આવતો હોવાથી કલ્પેશે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. કલ્પેશ વ્યાજના ખપ્પરમાં ફસાતાં તે છેલ્લા 3 એક માસથી બેચેન રહેતો હતો. તેના પરિવારના સભ્યોએ આ બાબતે પુછતા કલ્પેશે સમગ્ર હકીકત જણાવી હતી. આથી નરસંડા ખાતે રહેતા તેમના મામા તેમજ ઘરના અન્ય સભ્યો સાથે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ સાથે ગત 12 સપ્ટેમ્બરે બેઠક કરી સમાધાન લાવ્યા હતા. આમ છતા પણ બીજા દિવસથી કલ્પેશ પર નાણાં માટે ઉપરોક્ત ચારેય લોકોએ દબાણ કરતાં કલ્પેશે આપઘાત કરી લીધો હતો. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે રેખાબેન મકવાણાની ફરિયાદના આધારે સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા, આશીષ મહેન્દ્ર પરમાર, અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા અને જયદીપ ઉર્ફે જેડી શશીકાંત ગોહિલ વિરુદ્ધ આઈપીસી 306, 384, 386, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી દીધી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસ આ ચાર આરોપીને પકડી પાડવા માટે કામે લાગી છે ત્યારે બીજી બાજુ પોલીસની ધરપકડથી બચવા માટે અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા આગોતરા જામીન અરજી નડિયાદ કોર્ટમાં મૂકી હતી આ જામીન અરજી ડિસ્ટ્રિક્ટ જજ એલ એસ.પીરજાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ઉમેશ ઢગટ દલીલો ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અત્રે નોંધનીય છે કેસ યુવાનને મરવા મજબૂર કરનાર આરોપીઓ હાલમાં પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસ આરોપીઓને પકડી પાડે તેવી નગરજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...