દારૂની હેરાફેરી:નડિયાદમાંથી વિજીલન્સ પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપ્યો, અન્ય બેના નામ ખુલ્યા

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટનામાં દારૂના નેટવર્કનો પર્દાફાશ થયો
  • દારૂ સહિત રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 19 હજાર 370નો મુદ્દામાલ કબ્જે કરાયો

ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. તેવામાં વ્યવસ્થિત ચાલતાં નેટવર્કના કારણે આવી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે અને સ્થાનિક પોલીસને ભરણ મળતાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ બની હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. વિજીલન્સ પોલીસે કઠલાલના ફાગવેલ બાદ નડિયાદ પશ્ચિમમાંથી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ દરોડામાં ઓછી કિંમતનો દારુ પોલીસના હાથે લાગ્યો છે પણ વ્યવસ્થિત ચાલતાં નેટવર્ક પરથી પડદો ઉંચકાયો છે. જેમાં એક બુટલેગરને દબોચી લેતાં અન્ય બે બુટલેગરોના નામ પણ ખુલ્યા છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસના માણસોએ ગતરાત્રે બાતમીના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માઈ મંદિર રોડ પરની બજરંગ પાર્ક સોસાયટીની સામે દિનશાનગરમાં ખુલ્લી જગ્યા પર દરોડો પાડયો હતો. જ્યાંથી એક ઈસમ દારૂનું વેચાણ કરતો રંગેહાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસે તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ અશોક શનાભાઈ તળપદા (રહે. તળપદાવાસ, દિનશાનગર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તેની પાસેથી ઓછી માત્રામાં ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે દારુ સાથે આરોપીને પકડી નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે લાવી હતી. જ્યાં ગણતરી કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 31 ચાર હજાર 420 તથા એક મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 19 હજાર 370નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ દારૂનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે કોના મારફતે લાવ્યો તે દિશામાં પોલીસે આરોપીની પુછપરછ કરતાં સમગ્ર પ્રકરણમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં પકડાયેલા અશોક તળપદાએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો શહેરના માઈ મંદિર રોડ પર રાજીવનગર વિસ્તારમાં રહેતો ગીરીશ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસેથી મંગાવેલો હતો.

વધુમાં આ બુટલેગરને મળે ત્યારે તેના માણસ મોબાઇલ નંબર આપે અને તેના મારફતે દારૂ પહોંચાડવામાં આવતો હતો. જે મુજબ ગીરીશનો માણસ અજય ઝાલા (રહે. નડિયાદ) એક્ટીવા પર ગતરોજ બપોરે બે પેટી આપી ગયો હતો. જે સંદર્ભેની વાતચિત પણ મોબાઇલમાં પોલીસને જણાઈ આવી હતી. આમ વ્યવસ્થિત ચાલતાં ઈંગ્લિશ દારૂના નેટવર્ક પરથી પડદો ઊંચકાયો છે.

આ બનાવમાં અશોક તળપદા, ગીરીશ પ્રજાપતિ અને તેના મળતીયા અજય ઝાલા સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે. વિજીલન્સ પોલીસના દરોડામાં નડિયાદ પશ્ચિમ પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. શહેરમાં ટાઉન અને પશ્ચિમ પોલીસની નિષ્ક્રિયતાના કારણે બુટલેગરો બે લગામ બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...