તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહોળેલમાં પારીવારીક કકળાટમાં યુવકની હત્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહોળેલ હત્યા કેસના આરોપી - Divya Bhaskar
મહોળેલ હત્યા કેસના આરોપી
  • રસ્તા પરથી આવવા-જવા અને રીક્ષા ધોવાની ના પાડતા 4 લોકોએ ભેગા મળી હુમલો કર્યો
  • ગળુ દબાવી કૌટુંબિક ભાઈઓએ જ હત્યા કરી નાંખી

નડિયાદના મહો‌ળેલમાં પારાવારીક કકળાટમાં યુવકની હત્યા કરી નખાતા ચકચાર મચી છે. બે કૌટુંબિક પરિવારો વચ્ચે રસ્તાની અ‌વર-જવર અને રીક્ષા ધોવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવકનું ગળુ દબાવી તરફડાવી તેની કૌટુંબિક ભાઈઓએ જ હત્યા કરી નાખતા 4 વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મહોળેલ ગામના ટીમ્બાપુરા તાબે રહેતા ગીરધરભાઈ સોઢાના ખેતરમાં તેમના કૌટુંબિક સગીર વયનો ભાઈ રીક્ષા ધોતો હતો. જ્યાં ગીરધરે તેને રીક્ષા ધોવાની ના પાડતા સગીર ઉશ્કેરાઈ ગયો અને ગીરધર સાથે ઝઘડો કર્યો. ઝઘડાની બુમો સાંભળી સગીરનું ઉપરાણું લઈ ગણપતભાઈ સોઢા, બુધાભાઈ સોઢા અને રાજેશભાઈ સોઢા આ‌વીને ગીરધરને માર માર્યો હતો. ગીરધરને છોડાવવા વચ્ચે પડલા રમેશભાઈ અને તેમના ભત્રીજાને સગીરે માર માર્યો હતો.

આ દરમિયાન રાજેશભાઈ સોઢાએ ગીરધરનું ગળુ દબાવી દીધુ હતુ. જેથી ગીરધર તરફડીયા મારી છુટવા માટે પ્રયત્ન કરતો હતો. આ સમયે બુધાભાઈ સોઢા, ગણપતભાઈ સોઢા અને સગીર ગીરધરને મારતા હતા. થોડીવારમાં જ ગીરધરના શ્વાસ રૂંધાઈ જતા ત્યાં ઢળી પડ્યો હતો અને બોલવા-ચાલવાનું બંધ કરી દેતા ચારેય ઈસમો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. ગીરધરને તેના માતા અમરતબેન અને ભાઈ રમેશ દવાખાને લઈ જતા ડોક્ટરે ગીરધરને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે રમેશભાઈએ ગીરધરની હત્યા બદલ કુટુંબી બુધાભાઈ, ગણપતભાઈ, રાજેશભાઈ અને સગીર સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં ચકલાસી પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય શખ્સની ધરપકડ કરી તેઓ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરી છે.

બંને પરિવારો લાંબા સમયથી ટકરાવ ચાલતો હતો
બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી રસ્તાની અવર-જવર બાબતે અને એકબીજાના ખેતરમાં રીક્ષા ધોવા બાબતે માથાકૂટ ચાલતી હતી. ગઈકાલે ગીરધરભાઈએ રીક્ષા ધોવાની ના પાડતા બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા આરોપીઓએ ગીરધરભાઈનું ગળુ દબાવી તેમને મોતને ઘાટ ઉતાર્યા છે. આ અંગે ફરિયાદ નોંધ્યા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ચાર આરોપીઓ પૈકી 1 સગીર છે. > જીગર પટેલ, PSI, ચકલાસી પો. સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...