• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • After Kheda MP Was Made A Minister At The Center, Mahemdavad MLA Was Made A Cabinet Minister In The State Government, Nadiad MLA Was Re elected As Chief Whip.

ખેડા જિલ્લાનો દબદબો વધ્યો:ખેડાના સાંસદને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા બાદ મહેમદાવાદના ધારાસભ્યને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા, મુખ્ય દંડક પદે નડિયાદના ધારાસભ્ય રીપીટ કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો

ખેડા જિલ્લામાંથી આજે બે રાજકારણીઓના ફેસલો થતાં સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. જેમાં નડિયાદના ધારાસભ્યને દંડક પદે રીપીટ કરાયા છે. જ્યારે મહેમદાવાદના ધારાસભ્યને રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી પદ મળતા સમગ્ર જિલ્લાના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. તો આ સાથે જીલ્લામાં ભાજપે જ્ઞાતીવાદ પર બેલેન્સ જાળવી આગામી ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા રણનીતિ અપનાવી છે.

નવી સરકાર રચાતા ખેડા જિલ્લામાંથી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇને વિધાનસભાના મુખ્‍ય દંડક તરીકે રીપીટ કરાયા છે. સતત 5 ટર્મથી ચૂંટાઈ આવતાં પંકજ દેસાઇ દશમી ગુજરાત વિધાનસભા, 1999-2002, અગિયારમી ગુજરાત વિધાનસભા, 2002-2007, બારમી ગુજરાત વિધાનસભા, 2007-2012, સરકારના મુખ્યદંડક, 25 ઓગસ્ટ 2010થી 20 ડીસેમ્બર 2012, તેરમી ગુજરાત વિધાનસભા સભ્યપદે ચૂંટાયા (ચોથી ટર્મ), બારમી અને તેરમી ગુજરાત વિધાનસભામાં 25 ઓગષ્ટ 2010થી તા.20મી ડિસેમ્બર 2017 સુધી મુખ્ય દંડક પદે તેમજ 14મી ગુજરાત વિધાનસભામાં 26 ડિસેમ્બર, 2017થી મુખ્ય દંડક પદે હાલ કાર્યરત છે. જે પદ નવી સરકાર રચાતા વધુ એક વખત તેમના ફાળે ગયું છે.

પંકજ દેસાઇએ B.s.c અભ્યાસ કર્યો છે. અને છેલ્લા ઘણાં વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છે. અગાઉ નડિયાદ નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ પદે પણ રહ્યા છે. જ્યારે નડિયાદની શૈક્ષણિક, સ્વાસ્થ્યને લગતી સંસ્થાઓમાં પણ તે કાર્યરત છે. અને નડિયાદ અને જિલ્લાની પ્રજાની સુખાકારી મળી રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે.

જ્યારે નવી સરકારમાં સૌપ્રથમ વખત ધારાસભ્ય બાદ કેબીનેટ મંત્રી બનેલા અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામના વતની છે. તેઓ પોતે વર્ષ 2017માં સૌપ્રથમ વખત 117 મહેમદાવાદની બેઠક પરથી ઉભા રહી ધારાસભ્ય બન્યા હતા. આ સમયે તેમણે સામે કોંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતોથી પરાજીત કર્યા હતા. આ પહેલા તેઓ વર્ષ 2016-17માં પક્ષમાં જીલ્લા મહામંત્રી તરીકે સેવાઓ બજાવી ચૂક્યા હતા. જ્યારે ધારાસભ્ય પદ બાદ પણ અર્જુનસિંહ 2020-21માં ખેડા જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે તેઓ છેલ્લા 20 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. તેમનો વ્યવસાયે જોઈએ તો તેઓ સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા. સ્વભાવે સરળ અને લોક ચાહના ધરાવતાં અર્જુનસિંહને સરકારના નવા કેબીનેટ મંડળમાં સ્થાન મળ્યું છે. આજે યોજાયલ શપથવિધિ ગ્રહણ સમારોહમાં તેમણે શપથ ગ્રહણ કર્યા હતા.

ખેડા જિલ્લાના આ બન્ને વિધાનસભાના ધારાસભ્યોને સરકારમાં સ્થાન મળતાં બન્ને વિધાનસભાના મતક્ષેત્ર સહિત સમગ્ર જિલ્લામાં આનંદ છવાયો છે. ખેડા જિલ્લા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. અને સોશિયલ મીડિયામાં બન્ને નેતાઓને અભિનંદન આપતી પોસ્ટ મૂકી શુભેચ્છાઓ પાઠવી છે. આમ એક પાટીદાર અને એક ક્ષત્રિય સમાજના છે તો આવનાર 2022ની ચૂંટણીમાં જ્ઞાતિવાદ સમીકરણો કેવા રચાશે તે જોવું રહ્યું. સાથે સાથે પ્રજાના કામો અને વિકાસલક્ષી કામો કેટલા અંશે કરવામાં સફળતા મેળવશે તે આવનાર સમય બતાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રમાં રાજ્ય સંચાર મંત્રી તરીકે દેવુસિંહ ચૌહાણની નિયુક્ત થઈ હતી. આમ કેન્દ્રમાં અને સ્થાનિક લેવલે પણ ક્ષત્રિય અને પાટીદારોનો દબદબો રહેતા ખેડા જિલ્લામાં ભાજપને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે કે પછી ગેરલાભ તે તો પ્રજા નક્કી કરશે.

ખેડા જિલ્લામાં આગામી ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા બેલેન્સ જાળવ્યું
ખેડા જિલ્લો આમ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. પરંતુ ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ પાસે 3-3 બેઠકો ગઈ હતી. જેમાં કપડવંજ, મહુધા અને ઠાસરા કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે માતર, મહેમદાવાદ અને નડિયાદ ભાજપના ફાળે ગઈ હતી. ખેડા જિલ્લામાં આમ તો ક્ષત્રિય અને પાટીદારોની સંખ્યા છે. માટે આવનાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જિલ્લામાં પૂર્ણ બહુમતી મળે તે હેતુથી અગાઉ સાસંદને કેન્દ્રમાં સ્થાન અપાયું છે. જ્યારે હાલ રચાયેલી નવી સરકારમાં અન્ય એક ક્ષત્રિય ધારાસભ્યને રાજ્યની કેબિનેટમાં સ્થાન અપાયું છે. અને પાટીદારને દંડક પદે રીપીટ કરાયા છે. આમ તમામ જ્ઞાતીવાદ સમીકરણોને આધારે આગામી ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું છે.

અન્ય સમાચારો પણ છે...