ધાબળાનું વિતરણ:વડતાલ સંસ્થાને ફુટપાથ પર રાતવાસો કરતાં જરૂરિયાતમંદોને 500થી વધુ ગરમ ધાબળાનું વિતરણ કર્યુ

નડિયાદ18 દિવસ પહેલા
  • મંદિરના સંતો અને હરિભક્તોએ રૂબરૂ જઈને ગરીબોને ધાબળા આપવાનું બીડું ઝડપ્યું

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એક બાજુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફુટપાથ પર રાતવાસો કરતાં લોકોની કફોડી હાલત બની ચૂકી છે. આવા લોકોના વહારે તીર્થધામ વડતાલ સંસ્થાન આવી છે. કડકડતી ઠંડીમાં આવા લોકોને વિનામૂલ્યે ધાબળા આપવાનું બીડું આ ધાર્મિક સંસ્થાએ વર્ષોથી ઝડપ્યું છે.

ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર અનેક ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે માનવીય કાર્ય પણ કરી સમાજના હિતમાં કામ કરી રહ્યું છે. હાલ કડકડતી ઠંડીમાં સૌ કોઈ મધરાતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આવી ઠંડીમાં આ સંસ્થાનના સાધુ, સંતો અને સ્વયંસેવકોએ વડતાલ, નડિયાદ, આણંદમાં ફરીને ફુટપાથ પર રાતવાસો કરતાં લોકોને ધાબળા આપ્યા હતા. વડતાલ મંદિરના તમામ સંતો અને સ્વયંસેવકો દ્વારા નેતપુરના શાસ્ત્રી સ્વામીના આશીર્વાદ અને ગોવિંદપ્રસાદ સ્વામીની પ્રેરણાથી, હરિભક્તોના સહયોગથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે.

નોંધનીય છે કે સંસ્થાને એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને જાહેર માર્ગો ઉપર કકડતી ઠંડીમાં જૂની ગોદડી કે કોથળા ઓઢીને સુતા લોકોને ગરમ ધાબળા અર્પણ કર્યા હતા. આ માનવીય કાર્યમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તથા મંદિરના સંતવલ્લભ સ્વામી, શ્યામ સ્વામી સહિત સંતો અને હરિભક્તોએ રૂબરૂ જઈને આશરે 500 ઉપરાંતના ધાબળાનું વિતરણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...