તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Even A Month After The Completion Of Nadiad Municipal Elections, The Non formation Of Committees Has Started Rumbling Among The Members, Tension Has Started In The Ruling Party.

ખેંચતાણ:નડિયાદ નગરપાલિકાના ચૂંટણી પૂર્ણ થયાના એક માસ બાદ પણ સમિતિઓની રચના ના થતા સભ્યોમાં ગણગણાટ શરૂ, સત્તાધારી પક્ષમાં ખેંચતાણ શરૂ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકા - Divya Bhaskar
નડિયાદ નગરપાલિકા
  • જૂથવાદના કારણે સમિતિની રચનાનું કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચા

ખેડા જિલ્લાના નડિયાદમાં વિવિધ વિકાસના કામો રઝળી પડ્યા છે. દોઢ માસ ઉપર યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી જેને પણ એકાદ માસ વીતી ગયો છે. જોકે તે બાદ પણ નડિયાદ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનાનું કોકડું ગૂંચવાયેલું છે. આ અંગે અંદરખાને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને સત્તાધારી પક્ષમાં ખેંચતાણ શરૂ થઈ છે.

દોઢ માસ પૂર્વે યોજાયેલ નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં નગરજનોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપતા ભાજપની જંગી બહુમતીથી વિજય થયો હતો. પાલિકામાં પાંચ વર્ષ માટે ફરી એક વખત ભાજપે સુકાન સંભાળ્યું છે. નગરપાલિકાની કુલ 52 બેઠકો પર ભાજપના ફાળે કુલ 43 બેઠકો આવી હતી. જ્યારે 8 બેઠક અપક્ષ અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી.

નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની મુદત માટે ભાજપના રંજનબેન વાઘેલા પ્રમુખ પદે બીન હરીફ આવ્યા હતા. તો આ સમયે કારોબારી ચેરમેન તરીકે મનન રાવની વરણી કરાઈ હતી. જોકે તે સમયે પાલિકાની અન્ય સમિતિઓની રચના પડતી મુકાઈ હતી. આજે આ વાતને પણ એક માસ ઉપરનો સમય વીત્યો છે. જેના કારણે નડિયાદમાં વિવિધ વિકાસના કામો ખોરંભે પડી ગયા છે. લાંબો સમય વીત્યા પછી વિવિધ સમિતિઓની રચના કરવા માટે અંદરખાને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સાથે સાથે સત્તાધારી પક્ષમાં ખેંચતાણ શરૂ થતાં ગળાકાપ હરીફાઈ શરૂ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પાલિકાની ફાયર બ્રિગેડ, ટી. પી. રોડ, ગટર, સેનેટરી જેવી અનેક સમિતિઓનું કોકડું હાલ ગૂંચવાયું છે. અને આ પદ હાંસલ કરવા સભ્યો દોડાદોડ કરી રહ્યા છે. જે માટે સભ્યો મોટા રાજનેતાઓની શરણ લઈ રહ્યા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. જેનો હલ કાઢવા અંદર ખાને બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. તો પાલિકાની વિવિધ સમિતિઓની રચના માટે સામાન્ય સભા ક્યારે બોલાવવામાં આવશે તે જોવું રહ્યું. આ અંગે પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાનો સંપર્ક સાંધતા તેમના પતિએ જણાવ્યું છે કે હાલ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. લેઈટ થવાના કારણ પાછળ તેમણે કોરોનાનું બહાનું ધરી દીધું છે. તો બીજી તરફ આણંદ અને જિલ્લાની અન્ય નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના થઈ ગઈ છે ફક્ત નડિયાદ પાલિકાની બાકી હોવાથી જે આગામી સમયમાં થઈ જશે તેવું જણાવ્યું છે. ચર્ચાતી વાતો મુજબ સત્તાધારી પક્ષમાં બે જુદા જુદા જુથના પગલે આ સમિતિની રચનામાં વિલંબ થઈ રહ્યો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...