"ખેલશે મહેમદાવાદ, જીતશે મહેમદાવાદ":મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંહુજ મુકામે એમપીએલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ, 100 જેટલી ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટની રમત ટીમ સ્પીરીટની ભાવના કેળવે છે : ગૃહ મંત્રી હર્ષ સંઘવી
  • હર્ષ સંઘવીએ અહિં આવી આપણા વિસ્તારના ક્રિકેટરો-રમતવીરોનો જુસ્સો વધાર્યો - અર્જુનસિંહ ચૌહાણ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિંહુજ મુકામે શ્રી વિરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આવેલા ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. "ખેલશે મહેમદાવાદ- જીતશે મહેમદાવાદ"ની થીમ પર એક માસ સુધી 100 જેટલી ટીમો વચ્ચે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આયોજીત નાઇટ ટુર્નામેન્ટ-2022ને ખુલ્લી મુકતાં ગૃહ રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ક્રિકેટની રમત ટીમ સ્પીરીટની ભાવના કેળવે છે.

ગૃહ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દશકાથી ગુજરાતના રમતવીરો વિવિધ રમતોમાં રાજ્ય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. છેલ્લા થોડાક વર્ષોથી ગુજરાતના પ્રતિભાવંત રમતવીરોને રાજ્ય સરકાર સંપૂર્ણ સહાય કરી રમતવીરમાં પડેલી પ્રતિભાઓને આગળ લાવી રહી છે. આઇપીએલની જેમ જ આ એમપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની વિશાળ સિરીઝ દ્વારા મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તારના મોટાભાગના દરેક ગામની ટીમો ભાગ લઇ રહી છે.

અદભૂત માહોલ છે અને અભિનંદનને પાત્ર કામ છે. આ જ ટીમ સ્પીરીટથી જો ગામના વિકાસના કામો કરવામાં આવે તો મહેદાવાદના દરેક ગામનો ખૂબ જ વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ખેલ મહાકુંભની વાત કરતા જણાવ્યું હતું કે, દરેક ગામના નાગરિકોએ આમાં ભાગ લેવો જોઇએ. ગુજરાતની જેમ દેશમાં રોજગારી આપવામાં નં. 1 છે, તેમ આવનારા સમયમાં સારા ખેલાડીઓ અને કોચ તેમજ સારા ટ્રેનીંગ સેન્ટરોમાં પણ નંબર વનનું સ્થાન ધરાવશે તેમાં બે મત નથી. આ સરકારે દરેક નાગરિકોની ચિંતા કરી તેને મદદરૂપ થવાના અનેક પગલા ભર્યા છે. તેનો મહત્તમ લાભ લેવા તેમણે જાહેર અપીલ કરી હતી.

આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, મંત્રી હર્ષ સંઘવીએ અહિં આવી આપણા વિસ્તારના ક્રિકેટરો અને રમતવીરોનો જોમ જુસ્સો વધાર્યો છે. આ વિસ્તારના યુવાનો ટીમ મહેમદાવાદ બની વિકાસની ગતિને આગળ ધપાવશે તેઓએ જણાવ્યું હતું કે, "ખેલશે મહેમદાવાદ- જીતશે મહેમદાવાદ"ની થીમ પર દરેક યુવાનો ભાઇચારાથી રમશે. આ પ્રસંગે રાજન દેસાઇએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અજયભાઇ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી, નડિયાદ નગરપાલિકના ઉપપ્રમુખ કિન્તુ દેસાઇ, સરપંચ, ટ્રસ્ટી જશભાઇ સહિત મોટી સંખ્યામાં રમતવીરો અને ક્રિકેટર ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...