ગોલમાલ:ઠાસરાના ખડગોધરામાં દૂધ ઉત્પાદક મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ઉચાપત આચરતાં ચકચાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્રેટરી અને હાલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતાં ઈસમે રૂપિયા 8.52 લાખની ઉચાપત આચરી
  • ઈસમ સામે ચેરમેને ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં ઉચાપતનો બનાવ સામે આવ્યો છે. ખડગોધરા ગામે દુધ ઉત્પાદક મંડળીના માજી સેક્રેટરીએ પોતાના હોદ્દા દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત આચરી હતી. જે ઘટના પ્રકાશમાં આવતાં આરોપીએ અમૂક સમય મર્યાદામાં અડધી રકમ ભરપાઈ કરી દીધી હતી. જોકે, બાકીની રકમ મંડળીમાં જમા નહી કરાવતાં આ અંગે ઉચાપત આચરનારા ઈસમ સામે ચેરમેને ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઠાસરા તાલુકાના ખડગોધરા ગામે રહેતા રાવજી પ્રભાતભાઈ રાઠોડ વર્ષ 2018થી માર્ચ 2021 દરમિયાન ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી પદે હતા. હાલ તેઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે. રાવજી રાઠોડ પોતે જ્યારે સેક્રેટરી પદે હતા ત્યારે ડેરીમાં આવતી દાણની ગુણો, તેમજ સ્પેશ્યલ વિઝિટ, પીએફ, ઉઘડતી સીલક મળી કુલ રૂપિયા 8 લાખ 52 હજાર 207 રૂપિયાના હિસાબમાં ગોલમાલ આચરી હતી. આ તમામ રકમ રોજમેળાપમાં ઉધારેલી હતી તે નાણાંની ઉચાપત આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ચેરમેન અને વાઇસ ચેરમેને આ હિસાબ જોતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ અંગે દૂધ મંડળીના સત્તાધીશોએ અમૂલમાં ટેલીફોનીક જાણ કરતાં તેઓએ જણાવ્યું કે, જૂના સેક્રેટરીના બદલે નવા સેક્રેટરીની નિમણૂંક કરો અને જીરો બેલેન્સથી ચાર્જ સોંપો. આથી દૂધ મંડળીમાં ઠરાવ પસાર કરી સેક્રેટરી રાવજી રાઠોડને હટાવી નવા સેક્રેટરીની નિમણૂંક કરી હતી. આ જૂના સેક્રેટરીને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી સોંપવામાં આવી હતી.

ત્યારબાદ જુલાઈ માસમાં ઓડીટ કરવામાં આવ્યું હતું. આ ઓડીટ દરમિયાન પૂર્વ સેક્રેટરી રાવજી રાઠોડનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જે પૈકી સમય મર્યાદામાં ઉપરોક્ત આચરેલી કુલ રકમ પૈકી 4 લાખ 57 હજાર મંડળીમાં જમા કરાવી તો બાકીના નાણાં રૂપિયા 3 લાખ 95 હજાર 207ની ભરપાઈ ન કરી શકતાં આ રકમ પોતાના અંગત કામે વાપરી દીધી હતી અને મંડળી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આથી આ અંગે જિલ્લા રજીસ્ટ્રારે હુકમ કરતાં મંડળીના ચેરમેન મુકેશ મનુભાઈ પટેલે પૂર્વ સેક્રેટરી રાવજી રાઠોડ સામે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 409 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...