સાઇડ બતાવવા જતાં મોત મળ્યું:કનેરા પાસેના હાઈવે પર વાહનને પંક્ચર પડતાં આવતા વાહનોને સાઈડ બતાવવા ઉભેલા શખ્સનું બસની ટક્કરે મોત

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરપાટ આવતી બસે શખ્સને ટક્કર મારી રોડ ઉપર 20 ફૂટ જેટલો ફંગોળતાં મોત નીપજ્યું
  • ગાડીને પંક્ચર પડતાં એક શખ્સ જેક ચડાવતો હતો, જ્યારે અન્ય બે સાઇડ બતાવતા હતા
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા પંથકના કનેરા પાસેથી પસાર થતાં હાઇવે પર વાહનને પંક્ચર પડતા આવતા જતા વાહનોને સાઈડ બતાવતા વ્યક્તિનું બસની ટક્કરે મોત નીપજ્યું છે. પૂરપાટ આવતી બસે આ શખ્સને ટક્કર મારી રોડ ઉપર 20 ફૂટ જેટલો ફંગોળ્યો હતો. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ધોળકા તાલુકાના આંબલીયારા ઇન્દિરા આવાસ ખાતે રહેતા રાકેશભાઈ અરજણભાઈ કોળી પટેલ પોતાના ગામના વિપુલભાઈ મકવાણા તથા દિનેશભાઈ આશાભાઈ ઠાકોર સાથે બોલેરો પીકપ ગાડી નંબર (GJ 38 T 3798) લઈને તેમાં ડાંગરના ઘાસ ભરી ખેડા તરફ જતા હતા. આ દરમિયાન વહેલી સવારે ખેડાના કનેરા બ્રિજ ચડતાં આ ગાડીનું ખાલી સાઈડનું પાછળનું ટાયર પંક્ચર થયું હતું. આથી ગાડી રોડની સાઇડના પ્રથમ લેનમાં ઉભી થઈ ગઈ હતી.

આ બાદ ત્રણ પૈકી વિપુલભાઈ ગાડી નીચે જેક ચડાવતા હતા. તેમજ રાકેશ અને દિનેશ સાઈડમાં ઊભા રહી અહીંયા આવતા જતા વાહનોને સાઇડ બતાવતા હતા. એ વખતે અમદાવાદ તરફથી એક સફેદ કલરની બસ (GJ 27 TT 9988)એ ફૂલ સ્પીડમાં આવી દિનેશભાઈને ટક્કર મારતા દિનેશભાઈ આશરે 20 ફૂટ જેટલા રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેના કારણે દિનેશભાઈનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે રાકેશભાઈ પટેલે ઉપરોક્ત બસ ચાલક સામે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...