યુવાનો ખાસ ચેતજો નહી તો શિકાર બનશો:ન્યુડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગના કિસ્સાઓ વધતાં ખેડા જિલ્લામાં ફફડાટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં અંદાજીત 10થી 12 વ્યક્તિઓ શીકાર બન્યાં
  • સોશ્યલ મીડિયામાં દોસ્તી કરી યુવાનોને કરે છે બ્લેક મેલ

ટેકનોલોજી વધતાં ગુનાઓના રૂપ પણ બદલાયા છે. આજે કોઈ યુવાન એવો ભાગ્યે જ હશે કે જેનું ફેસબુક કે સોશિયલ સાઇટ પર એકાઉન્ટ નહી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ગુનેગારો હવે આવી સાઈટ મારફતે તમારા સુધી પહોંચી તમને બરબાદ કરી શકે છે. ખાસ કરીને યુવાન-યુવતીઓને ચેતવું જરૂરી બન્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં ન્યુડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતી ટોળકી સક્રિય બની છે. સોશ્યલ મીડિયા મારફતે ચેટ કરી ફોસલાવી ઓનલાઇન સેક્સની માંગ કરી અને તે બાદ વીડિયો કે ફોટો કેપ્ચર કરી બ્લેક મેલીંગના બનાવો વધી રહ્યા છે. જેમાં મોટેભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે.

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ન્યુડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતી ટોળકી સક્રિય બની હોવાની ફરિયાદો ઉઠી છે. આ ટોળકી પહેલા ફેસબુક કે સોશિયલ સાઇટ પર તમારી સાથે મિત્રતા કેળવે તે બાદ ચેટ કરી તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન વીડિયો કોલીંગ દ્વારા સેક્સની માંગણી કરે જે મનસૂબો પાર પડતાની સાથે જ આ ટોળકી વીડિયો સ્ક્રીન રેકોર્ડ દ્વારા તમામ અશ્લીલ હરકતો સૂટ કરી બીજી જ મીનીટે સામે વાળી વ્યક્તિને બ્લેક મેલીંગ કરી નાણાં ખંખેરતી હોય છે અને જો ભોગ બનનાર તેની નાણાંકીય વાત ન સંતોષે તો આ ન્યુડ વીડિયો અને ફોટાને વાયરલ કરવાની ધમકી આપે છે.

યુવતીઓથી આકર્ષાઈને યુવકો શિકાર બની રહ્યા છે
ખેડા જિલ્લામાં આવા બનાવો વ્યાપક પ્રમાણમાં વધ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આવા બનાવોમાં મોટે ભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે. સામે યુવતીઓ હોવાથી આકર્ષાઈને યુવાનો બ્લેક મેલીંગનો શિકાર બને છે. ખેડા સાયબર સેલમાં મહિનામાં અંદાજીત 10થી 12 લોકો આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસનું સલાહ સૂચન લેવા આવતાં હોય છે. હાલ આ આંકમાં ઘટાડો નોંધાયો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

પોલીસ આવા કાંડ આચરનારા લોકોને ઉઘાડા પાડે તેવી માંગ કરાઈ
તાજેતરમાં અમદાવાદ જિલ્લા સાયબર સેલ અને એલસીબી પોલીસે ફ્રેન્ડશીપ ક્લબમાં નાણાં ખંખેરેતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સુરતના ભાઈ બહેનની ધરપકડ કરાઈ હતી. ત્યારે પોલીસ આ દિશામાં પણ પગલા ભરી આવા લોકોને ઉઘાડા પાડે તેવી માંગ પ્રબળ બની છે. સાથે સાથે આવા ગુનાઓને અટકાવવા પોલીસ પ્રયાસો હાથ ધરે તે જરૂરી છે. તેમજ પ્રજાએ પણ એટલી જ તકેદારી રાખવાની જરૂર ઉભી થઈ છે.

પ્રતિષ્ઠાને બદનામીનો દાગ ન લાગે તેથી મોટાભાગના કિસ્સાઓ FIR સુધી નહી આવતાં
આવા બનાવોમાં યુવાનો ડીપ્રેશનમાં આવી જાય છે. ભોગ બનનારની પ્રતિષ્ઠા પર દાગ લાગતા સમાજમાં ભારે બદનામીનો ડર શતાવતો હોવાથી મોટાભાગના આ પ્રકારના કેસો બહાર FIR સુધી આવતા નથી. પોલીસ દફતરે આવા કેસ નહી ચઢતાં પોલીસ પણ કાર્યવાહી કરી શકતી નથી. જેનો સીધો જ લાભ કાંડ આચરનારા લઈ રહ્યા છે. કાંડ આચરનારા લોકોને તો બસ નાણાં કમાવવા હોય છે, તેથી તે આવા બકરાની શોધમાં રહેતા હોય છે.

કઈ રીતે ફસાવવામાં આવે છે જાણો
સૌ પ્રથમ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે અન્ય સોશ્યલ સાઈટ મારફતે તમને રીક્વેસ્ટ મોકલાય છે. મોટે ભાગે યુવતીના નામની રીક્વેસ્ટ હોય છે, જે સ્વીકારતાં જ તમારી મોટા ભાગની હીડન થયેલી ડીટેલ્સ ખુલી જાય અને તે ફ્રોડ આચરનારા લોકોના હાથમાં આવી જાય છે. આ બાદ તમને જનરલી મેસેજોથી વાત શરૂ કરે છે અને તમે રીપ્લાય આપો તે બાદ મૈત્રી તરફ આગળ વાત જાય છે. આ બાદ વાતમાંને વાતમાં તમારુ પ્રાથમિક નાણાંકીય બેકગ્રાઉન્ડ જાણી લે છે. જે પછી તમને જણાવે છે કે તમે ઓનલાઇન વીડિયો કોલીંગથી સેક્સ કરશો જે બાબત તમે સ્વીકારતાં આ અશ્લીલ વીડિયોનો સ્ક્રીન રેકોર્ડ અથવા તો અન્ય મોબાઇલથી વીડીયો શુટ કરી આ સમગ્ર મામલો મોબાઈલમાં કેદ કરી લે છે. ગણતરીની બીજી મીનીટમાં જ સામે વાળી વ્યક્તિના હાવભાવ બદલાઈ જાય છે અને ભોગ બનનારને બ્લેક મેલીંગ કરે છે. રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને તે ન સંતોષતાં ન્યુડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. આ સમગ્ર કાંડ માત્ર ગણતરીના દિવસના સમયગાળામાં જ બની જાય છે.

કઈ રીતે બચી શકાય
સાવચેતી રાખી આવા કાંડ આચરનારા લોકોથી બચી શકાય છે. સૌપ્રથમ તમારુ ફેસબુક સહિત સોશ્યલ સાઈટો પરની પર્સનલ ડીટેલ્સ તમારા સિમિત રાખવી. પ્રોફાઇલ હંમેશા લોક રાખવી, અજાણ્યા લોકોની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વિકારવી નહી. અજાણ્યા લોકો સાથે ચેટ કરવી નહી. જેવી બાબતો જો ધ્યાને રાખશો તો ચોક્કસથી આવા બનાવોથી બચી શકશો. સોશ્યલ મીડીયાનું પ્લેટફોર્મ જેટલું સારુ છે તેટલું જ ખરાબ અને જોખમ કારક છે, જે દરેક વપરાશકારે સમજવું જોઈએ અને ચીવટ રાખવી જોઈએ.

કોરોના કાળમાં ઘણાં લોકો ભોગ બન્યા હતા
લોકડાઉન, મીની લોકડાઉનમાં આ રીતે વધારે લોકો ભોગ બન્યાં છે. કારણ કે ઘરમાંને ઘરમાં હોવાથી લોકો પુરેપુરો દિવસ સોશ્યલ સાઈટ પર રહેતા હતા. જેથી કાંડ આચરનારા લોકોના હાથે ચઢી જતાં હતાં. હાલ આવા બનાવોમાં ઘટાડો નોંધાયો હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળે છે. કારણ કે લોકો ધંધામાં વ્યસ્ત તો યુવાનો અભ્યાસમાં વ્યસ્ત રહેતા આવા બનાવો ઓછા બની રહ્યા છે. તેમ છતાં જે રીતનો સલાહ સૂચનનો આંકડો સામે છે. તે જોતાં આ કિસ્સાઓ ઓછા ન કહેવાય.

સાયબર સેલ પણ બાબતને ગંભીરતા પૂર્વક લઈ કામગીરી કરી રહી છે
જિલ્લા સાયબર સેલ પણ આ બાબતને ગંભીરતાથી લઈ ઠેર ઠેર આ અંગે કેમ્પેઇન ચલાવી રહી છે. ઓફલાઈન, ઓનલાઇન બન્ને રીતે કેમ્પેઇન કરી પ્રજાની સુરક્ષા માટે દિવસ રાત લોકોની પડખે ઊભી રહી છે. સાથે સાથે લોકોની સલામતી માટે જરૂરી પગલા પણ ભરી રહી છે. પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહી થાય ત્યાં સુધી આમાં પોલીસ એક કશુ કરી શકશે નહી. આવા કિસ્સાઓમાં ભોગ બનનારનું સતત કાઉન્સિલીંગ કરી તેને સ્વસ્થ કરવાની કામગીરી પોલીસ કરી તેને નવું જીવન બક્ષે છે.

સોશ્યલ મીડિયાના ઉપયોગથી બાળકોને દૂર રાખવા જરૂરી છે
મનોચિકિત્સકો જણાવે છે કે આજે દારૂ, બીડી, સિગારેટ જેવી વ્યસનો સમાજને ખોખલા કરી રહ્યા છે. આ વચ્ચે સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ એક જાતનું વ્યસન થયું છે. ખાસ કરીને બાળકો અને કિશોરો તેમજ યુવા લોકોને વ્યક્તિને વ્યક્તિથી, સમાજને સમાજથી દૂર કરતો જાય છે. બાળકોને આ પ્લેટફોર્મથી થોડા અંશે દૂર રાખવા વાલીઓએ ચીવટ રાખવી જોઈએ. જો આમ કરશો તો ચોક્કસથી બાળકો મોટા થતાં આવા પ્લેટફોર્મ પર તકેદારી રાખશે અને આવા બનાવનો ભોગ બનશે નહી.

અન્ય સમાચારો પણ છે...