શોભાયાત્રા:નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જન્મકલ્યાણકની બે વર્ષ બાદ ધામધૂમથી ઉજવણી કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કોરોનાના 2 વર્ષ બાદ જૈન સમાજે મહાવીર‌ સ્વામી જન્મકલ્યાણક ઉજવણી કરી
  • કઠોર આરાધના કરાવવા પધારેલા બાળ મૂનિ સહિત 55 મહારાજ આ શોભાયાત્રા જોડાયા

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર‌ સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરવામાં આવી છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા કોરોનાના બે વર્ષ બાદ આ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે શોભાયાત્રાનુ પણ આયોજન થયું હતું. જેમા જૈન સમાજના લોકો જોડાયા હતા.

ગુરુવારે મહાવીર સ્વામીની 2620મો જન્મકલ્યાણક મહોત્સવ ‌ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8 વાગ્યે શહેરના મુખ્ય જૈન દેરાસર એવા અજીતનાથ જૈન દેરાસરથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી. જે કંથારીયા ચકલા, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ભાવસાર વાડ, સોની બજાર થઈને સમડી ચકલા થઈને પરત અજિતનાથ જૈન દેરાસરે આવી હતી. મુનિરાજ સાધુરત્ન વિ.મ.સા તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી.

આ ઉપરાંત આયંબિલની ઓળીની કઠોર આરાધના કરાવવા તાજેતરમાં નડિયાદ ખાતે આવી પહોચેલા 55 સાધુ, સાધ્વી તથા બાળ મૂનિ મહારાજ સાહેબ આ શોભાયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા.

આ સાથે સાથે જૈન સોશ્યલ ગ્રુપ નડિયાદ તથા આ ગ્રુપની મહિલા ઘટક સંગીની ગ્રુપ દ્વારા નગરના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને આહાર આપવામાં આવ્યો હતો. જેમાં પશુઓને લાપસી તથા પશુ આહાર આપવામાં આવ્યો હતો. આમ કોરોનાના બે વર્ષ બાદ આ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...