તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Lotus Blossoms In Nadiad Municipality But When Are The Committees ?, Impact On Development Works As Committees Are Not Formed Despite Six Months

મહત્વના નિર્ણયમાં વિલંબ:નડિયાદ પાલિકામાં કમળ ખીલ્યુ પણ કમિટિઓ ક્યારે?, છ મહિના થવા છતાં સમિતિઓની રચના ન થતાં વિકાસ કાર્યો પર અસર

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકાની 28 ફેબ્રુઆરી, 2021ના રોજ સામાન્ય ચૂંટણી થઈ હતી. કોરોના કાળ ચાલતો હોવાથી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી છેક ફેબ્રુઆરીના અંતમાં યોજાઈ હતી. ત્યારબાદ 2 માર્ચના રોજ ચૂંટણીના પરીણામો જાહેર થતા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલ્યુ હતુ. જેના 15 દિવસ બાદ પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂક થઈ હતી.

આ સમગ્ર કાર્યવાહીને ચાર મહિના પૂરા થયા, પરંતુ હજુ સુધી ભાજપ શાસિત નગરપાલિકામાં કમિટિઓની રચના નહીં થયા હોવાનો મુદ્દો શહેરમાં જોર-શોરથી ચર્ચાઈ રહ્યો છે, જાગૃતજનોનું કહેવુ છે કે, કમિટિઓની રચના થઈ નથી ત્યારે વિકાસના કાર્યોના નિર્ણય કેવી રીતે લેવાતા હશે? નગરપાલિકામાં કોઈ પણ વિકાસની કામગીરી હાથ ધરવાની હોય ત્યારે જે-તે કમિટિના ચેરમેન તેને મંજૂરી આપતા હોય છે અને ત્યારબાદ તે બોર્ડમાં મૂકવામાં આવતુ હોય છે.

ત્યારે કમિટિઓની રચના વગર જ ચાર મહિનાથી ચાલી રહેલી નગરપાલિકા માત્ર જુની ટર્મના મંજૂર થયેલા કામોની જ કામગીરી કરી રહી છે? નવા કામોની સમીક્ષા અને કામગીરી ક્યારે આગળ વધશે? તેવા પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યા છે. જ્યાને ધ્યાનમાં રાખી ચૂંટાયેલી નવી પાંખ સત્વરે નવી કમિટિઓની રચના કરે તે જરૂરી બન્યુ છે.

નીતિ વિષયક કામો અટકી પડ્યા છે, છેવટની મુશ્કેલી નાગરીકોને પડે છે
નડિયાદ પાલિકા અતંર્ગતના મિલ્કત ટ્રાન્સફર, લોન, વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઈટ સબંધિત અને આ સિવાયના અનેક કામો અટવાઈ પડ્યા છે. નાગરીકોના અત્યારે જે કામો કરવાના છે, તે તમામ કામો પ્રમુખ પદેથી મંજૂર થાય તે શક્ય નથી. કોઈને લાઈટનો પ્રશ્ન હોય તો કોઈને ડ્રેનેજ કે પાણીનો હોય, આ ઉપરાંત કોઈ પણ મોટા ટેન્ડર હોય અને અન્ય વિકાસના કામો હોય, તમામ માટે જે-તે કમિટિના ચેરમેન કામ માટે પોતાના કમિટિમાં તેનો ઠરાવ કરતા હોય છે અને પછીથી તેનો અમલ થતો હોય છે. અત્યાર સુધી જુના કામોમાં જ પાલિકા સંતોષ માની રહી છે. ચાર-ચાર મહિના વિતી ગયા છે. ત્યાં સુધી સમિતિઓની રચના નથી થઈ અને તેના પરીણામે નીતિ વિષયક કામો અટકી પડ્યા છે અને છેવટીની મુશ્કેલી નાગરીકોને પડે છે. - ગોકુલ શાહ, કાઉન્સિલર

નડિયાદ પાલિકામાં બોર્ડ મિટીંગ અંગે ચર્ચા ચાલી રહી છે
આગામી 27 જુલાઈના રોજ બોર્ડ મિંટીગ બોલાવવાની ચર્ચા ચાલી રહી છે. જેના માટે એજન્ડા તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. - જતીન શાહ, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ

​​​​​​​આગામી મિટિંગમાં કમિટિઓની રચના થવાની સંભાવના
આ મહિનાના અંતમાં બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મિટિંગમાં કમિટિની રચનાઓની કાર્યવાહી થવાની શક્યતાઓ છે. જે માટે પક્ષના ઉચ્ચ હોદ્દેદારો સાથે સંકલન ચાલી રહ્યુ છે. ત્યાર બાદ સંગઠન સાથે નક્કી થયા મુજબ સમિતીઓ ફાલવવામાં આવશે. - રંજનબેન વાઘેલા, પ્રમુખ, નડિયાદ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...