તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:વડોદરાના વેપારીએ ડોલર મેળવવાની લહાયમાં 40 હજાર ગુમાવ્યા, મહુધાના ચાર શખ્સોએ છેતરપિંડી આચરતાં ફરિયાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ગઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
  • મંદિરના ફર્નિચર તથા ઈલેકટ્રીકલનું કામ બતાવી ડોલરના બદલામાં ચાર ગઠીયાઓએ 40 હજાર લઈ છૂમંતર

કોરોના બાદ સમગ્ર જિલ્લામાં ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. તો લોકો લાલચના જાંસામાં ફસાઈ જતાં નાણાં ગુમાવવાનો વારો આવે છે. વડોદરાના વેપારીને ડોલર મેળવવાની લાહ્યમાં 40 હજારનો ચુનો ચોપડી મહુધાના 4 ગઠીયાઓ છૂમંતર થઈ ગયા છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ મહુધા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા રમેશભાઇ સાળુકે પ્રિન્ટીંગ મશીનના લે વેચનો ધંધો કરે છે. લગભગ છ એક દિવસ પહેલા તેમના પર ખેડા જિલ્લાના મહુધાના વિજય તળપદાનો ફોન આવ્યો હતો. જેમાં વિજયે જણાવ્યું હતું કે અમારે અહીંયા મંદિરમાં ફર્નિચર તથા ઈલેકટ્રીકલનું કામ કરાવવાનું છે જેથી તમે કરી આપશો સબ બંદર કા વેપારી હોવાથી રમેશભાઇએ આ કામની હા પાડી અને સમય મળે એટલે ફુરસદથી આવીને જોઈ જઈશ તેમ કહ્યું હતું.

અવારનવાર ફોન કરી વિજય કામ કરવાનું જણાવતાં રમેશભાઇ અને તેમની પત્ની બન્ને મોટરસાયકલ પર મહુધા આવ્યા હતા. દરમિયાન મહુધા બેઠક થતાં ત્યાં વાતચીતમાં વિજયે જણાવ્યું હતું કે અમારે મંદિરના ફર્નિચર તથા ઈલેકટ્રીકલનું કામ કરાવવાનું છે પરંતુ તે કામના બદલામાં અમારા મંદિરમાં આવેલ ડોલરની ભેટ જે છે તે આપીશું. આ ડોલરની નોટો અમારા માટે નકામી છે માટે. આના બદલામાં તમે અમને સામે 40 હજાર રોકડ આપવા પડશે તો જ કામ તમને સોંપીશું તેવું વિજયે કહ્યું હતું.

રમેશભાઇ અને તેમની પત્નીએ કહ્યું હતું કે આ બાબતે અમે વિચારીશું તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. ગત 26મી જુને રમેશભાઇ તથા તેમના દોસ્તાર અને તેમની પત્ની ગાડી લઈને વડોદરાથી મહુધા મુકામે આવ્યા હતા. જે મંદિરનું કામ કરવાનું હતું ત્યાં જઈને વિજયને ફોન કરતાં વિજય સાથે ત્રણ શખ્સો મંદિર પાસે આવ્યા હતા. વિજય તળપદાએ રોકડ રૂપિયા 40 હજાર મેળવી હું ડોલર લઈને આવુ છું તેમ કહી રફુચક્કર થઈ ગયો હતો.

વિજય સાથે આવેલા ત્રણ શખ્સોએ રમેશભાઇને જણાવ્યું કે તમે વિજયને કેમ માર્યો તેમ કહી વાંસના લાકડીઓ લઈ રમેશભાઇ અને તેમના દોસ્તાર પાછળ મારવા દોટ મૂકી હતી. તેથી રમેશભાઇ કાર લઈને ત્યાંથી નીકળી મહુધા ચોકડીએ આવી ગયા હતા. ચોકડી પર પોલીસના માણસો પાસે રમેશભાઇએ સમગ્ર હકીકત જણાવ્યા બાદ રમેશભાઇએ મહુધા પોલીસ મથકે પહોંચી ઉપરોક્ત વિજય તળપદા સહિત અજાણ્યા ત્રણ જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...