બાળકોની લડાઈમાં મોટેરાઓ બાખડ્યાં:નડિયાદમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકો ઝઘડ્યા, નડિયાદ પશ્ચિમમાં સામસામી ફરિયાદ નોંધાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામસામી ફરિયાદમાં કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ પશ્ચિમમાં બાળકો એકબીજાને ચીડાવતાં મામલાએ મોટુ સ્વરૂપ લીધું હતું. જેથી મોટેરાઓ ઝઘડતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી કુલ 6 વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ શહેરના રીંગરોડ વોકીંગ ગાર્ડન પાછળ આવેલ શાંતિકુંજ સોસાયટીમાં રહેતા શીતલબેન હિતેશભાઈ પટેલનો દિકરો પાર્થ અને ક્રીશ ગતરોજ ઘરની બહાર આવેલ મંદિર પાસે રમતાં હતા. આ દરમિયાન આ સોસાયટીમાં રહેતા સાજનભાઈ બાલુભાઇ દેવીપૂજકનો દિકરો અને તેમનો ભત્રીજો સુનીલ ઉપરોક્ત પાર્થ અને ક્રીશને ચીડાવતાં હતા.

બાળકો એકમેકને માર મારવા જતાં જેની જાણ હિતેશભાઈને થતાં તેઓ પોતાની પત્ની સાથે દિનાબેન દેવીપૂજકને ઠપકો આપવા ગયા હતા. આ સમયે દિનાબેન અને તેમની જેઠાણી હંસાબેન દેવીપૂજકે અપશબ્દો બોલ્યા હતા. વાત આટલેથી નહી અટકતાં દિનાબેન, હંસાબેન સુનીલ દેવીપૂજક અને બલ્લુ દેવીપૂજક ભેગા મળી લાકડીઓ લઈને ઠપકો આપવા આવેલા હિતેશભાઈ અને શીતલબેન પર હુમલો કર્યો હતો. આથી આ અંગે શીતલબેન પટેલે ઉપરોક્ત ચારેય હુમલાખોરો વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે દિનાબેન સાજનભાઈ દેવીપૂજકની ફરિયાદમાં બાળકો બલી ચઢાવવા બાબતે ગમ્મત કરતાં શીતલબેન પટેલ બેફામ બોલતાં મામલો ઝઘડામાં ફેરવાયો હોવાનું જણાવ્યું છે. જેમાં શીતલબેન અને તેમના પતિ હિતેશભાઈ બન્ને લાકડાનો ડંડો લાવી દિનાબેન અને તેમના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. નડિયાદ પશ્ચિમ પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...