આણંદ નગર પાલિકા પાસેના કોમ્પલેક્ષમાં આજે સાંજના સમયે બનેલી આગની ઘટનાને પગલે અફડાતફડી મચી ગઇ હતી. આગના પગલે મેજર કોલ જાહેર થતા નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ પણ મદદ માટે દોડી ગઇ હતી. જોકે આ આગના પગલે ચિંતાજનક પ્રશ્ન એ ઊભો થાયો છેકે જો નડિયાદમાં આ પ્રકારની ઘટના બને તો નગર પાલિકા પાસે શું વ્યવસ્થા છે. નડિયાદ નગર પાલિકામાં મહેકમ બાબતે ચકાસણી કરતા જાણવા મળ્યું હતુ કે ફાયર બ્રિગેડમાં મહેકમ નો અભાવ છે. સરકાર દ્વારા 22 કર્મચારીઓનું મહેકમ મંજુર કરાયું છે, પરંતુ હાલ 12 કર્મચારીઓ જ કાર્યરત છે. નડિયાદમાં હોય કે આસપાસના કોઇપણ સીટીમાં આગની મોટી ઘટના બને ત્યારે નડિયાદ થી આજ સ્ટાફ મદદ માટે જતો હોય છે.
નડિયાદ શહેરમાં વાણીયાવાડ, મીલરોડ, પેટલાદરોડ, કિશન સમોસાનો ખાંચો જેવા વિસ્તારોમાં 8 માળ કે તેનાથી ઊંચી ઘણી હાઇ રાઇઝ ઇમારતો બની રહીં છે. પરંતુ આ ઇમારતોમાં મોટી આગ જેવી ઘટના બને તો ત્યાં સુધી પહોચી શકવા માટે પણ ફાયર બ્રિગેડ અક્ષમ હોવાનું ધ્યાન પર આવ્યું છે. નડિયાદ શહેરની ભૌગોલિક સ્થિતિ અને જિલ્લાનું મુખ્ય ફાયર સ્ટેશન હોવા છતાં જરૂરી મહેકમની અપુર્તતા ગંભીર બેદરકારી તરફ ઈશારો કરી રહી છે.
ફાયર બ્રિગેડ પાસે 3 વોટર બ્રાઉઝર, 35 ફુટની સીડી
નડિયાદમાં 8 કે તેનાથી વધુ માળની બહુમાળી ઇમારતો બની ગઈ છે. બીજી તરફ 3 માળ સુધીની ઈમારતમાં આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ સક્ષમ છે. ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળતી વિગતો મુજ ફાયર બ્રિગેડ પાસે 2 વોટર બ્રાઉઝર અને 35 ફુટ લાંબી સીડી છે. જેની ક્ષમતા 3 માળ સુધી પહોંચવાની છે. તેનાથી ઉપરના માળે આગ લાગે તો અમદાવાદ કે બરોડાથી મદદ બોલાવવી પડે તેવી સ્થિતિ છે. આમ એક તરફ મહેકમ અને બીજી તરફ સુવિધાની દ્રષ્ટીએ નડિયાદ ફાયર બ્રિગેડની હાલત દયનીય છે.
સાડા ત્રણ લાખની વસ્તીમાં એકજ ફાયર સ્ટેશન
નડિયાદ શહેરનો વ્યાપ દિન- પ્રતિદિન વધી રહ્યો છે. હાલમાં શહેરની વસ્તી સાડા ત્રણ લાખની છે. તેમજ 20 કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલી છે. તેમ છતાં શહેરમાં એકમાત્ર 3 બ્રાઉઝરો ધરાવતું ફાયર સ્ટેશન છે. આ સિવાય અન્ય કોઇ જગ્યાએ ફાયર સ્ટેશન ન હોવાથી છેવાડાના વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારમાં આગનો બનાવ બને ત્યારે ટ્રાફીકના કારણે પહોંચતા 20 થી 30 મિનિટ થઇ જાય છે, ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ લઇ લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.