તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ખેડા જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન મારમારીના જુદા જુદા ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના ભાલીયાપુરામાં ખોટો વહેમ રાખી ઝઘડો થતાં મારામારી થઇ
  • મહુધામાં તમાકુની ઉઘરાણી બાબતે મારામારી કરતાં ત્રણ સામે ફરિયાદ
  • ઠાસરાના સૈયાંતમાં મહિલા ગમેતેમ બોલતાં મારામારી થતા ચાર સામે ફરિયાદ દાખલ

ખેડા જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન ત્રણ જુદા જુદા સ્થળોએ મારામારીના બનાવો બન્યા છે. ખેડાના ભાલીયાપુરામાં ખોટો વહેમ બાબતે મારામારી ઝઘડો થયો છે. મહુધામાં તમાકુની ઉઘરાણી બાબતે મારામારી કરતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ઠાસરાના સૈયાંતમાં મહિલા ગમેતેમ બોલતાં મારામારી થઇ ચાર સામે ફરિયાદ દાખલ થઈ છે. હદ ધરાવતા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ગામમાં રહેતા અરવિંદ વસાવાએ ખોટો વહેમ રાખ્યો

ખેડા તાલુકાના ભાલીયાપુરા ગામે રહેતા અંબાલાલ વસાવાના દિકરા પ્રહલાદની સાથે ગામમાં રહેતા અરવિંદ વસાવાએ ખોટો વહેમ રાખ્યો હતો. અરવિંદે પ્રહલાદનું મોટરસાયકલ લઈ લેતાં જેથી આ બાબતે અંબાલાલે ઠપકો કરતાં મામલો બિચક્યો હતો. આ સમયે આક્રોશમાં આવેલા અરવિંદે સિમેન્ટનો બ્લોક હાથમાં લઈ અંબાલાલને માર્યો હતો. જેથી અંબાલાલને માથાના ભાગે અને શરીરે વાગી જતાં તેઓ ઘવાયા હતા. આ અંગે અંબાલાલ વસાવાએ અરવિંદ વસાવા વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તમાકુના પૈસાની ઉઘરાણી કરતાં મારામારી થઇ

જ્યારે મહુધામાં તમાકુના પૈસાની ઉઘરાણી કરતાં મારામારી થઇ છે. મહુધામાં ફિણાવ વિસ્તારમાં સરદાર પોળમાં રહેતા સંજય પટેલ અને તેમના નાનાભાઇ પ્રફુલ્લ બન્ને ગતરોજ સાંજે પોતાના ખેતરમાં હતા. તે સમયે રામના મુવાડા ગામે રહેતા અંકિત પટેલ અને તેના સગાભાઈ જીનલ ત્યાં આવી પહોંચ્યા હતા. જે બાદ આ બન્ને લોકોએ તમાકુના પૈસાની ઉઘરાણી કરતાં મામલો વણસ્યો હતો. સંજયે અને પ્રફુલ્લે આ પૈસા તેઓના કાકાને આપી દીધા છે તેમ જણાવતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં ઝપાઝપી થતાં સંજયની બહેન હેમા વચ્ચે છોડાવવા પડતાં અંકિત અને જીનલે આ મહિલાને ધક્કો મારી પાડી દીધી હતી. જેથી તેણીને શરીરે ઈજાઓ થઈ હતી. તો વળી ઉપરોક્ત બન્નેનું ઉપરાણું લઈ આવેલા જીતેન્દ્ર પટેલે મહિલા સહિત તમામને અપશબ્દો બોલ્યા હતા. આ અંગે હેમા પટેલે મહુધા પોલીસ મથકે અંકિત પટેલ, જીનલ પટેલ અને જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સૈયાંતમાં મહિલા ગમેતેમ બોલતાં મારામારી થઇ

આ ઉપરાંત ઠાસરાના સૈયાંતમાં મહિલા ગમેતેમ બોલતાં મારામારી થઇ છે. ઠાસરા તાલુકાના સૈયાંત ગામે રહેતા સીતાબેન ચાવડા નજીકમાં રહેતા મનીષ ચાવડાના સંબંધીઓને ગમેતેમ અપશબ્દો બોલતા હતા. જેથી મનીષે આમ ન બોલવા જણાવતાં સીતાબેનનું ઉપરાણું લઈ આવેલા કિરીટ ચાવડા, રાજવીર ચાવડા અને ઈલાબેન ચાવડાએ ભેગા મળીને મનીષ સાથે મારમારી કરી હતી. આ અંગે મનીષે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...