વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના હવે નબળો પડ્યો છે. જેટલી ઝડપથી ત્રીજી લહેર શરૂ થઈ હતી, તેટલી જ ઝડપથી તે શાંત પણ પડી ગઈ. જેના પરિણામ સ્વરૂપે આજે ખેડા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ મુજબ આજે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ હવે ફક્ત 6 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આમ ફાગણી પૂનમ પહેલા શૂન્ય કેસ સાથે કોવિડ કાબુમાં આવતાં સમગ્ર વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ખેડા જિલ્લામાં અગાઉ 20 ડિસેમ્બરના રોજ કોરોનાના શૂન્ય કેસ નોંધાયા હતા. જ્યારે 21 ડિસેમ્બરના રોજ 5 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી. જે બાદ ધીરે ધીરે પોઝિટિવ કેસમાં વધારો થતા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો પોઝિટિવ કેસનો આંક સતત વધતો જોવા મળ્યો હતો. ત્રીજી લહેરના સૌથી વધુ કેસની વાત કરીયે તો 26 જાન્યુઆરીના રોજ જિલ્લામાં સૌથી વધુ 200 કેસ નોંધાયા હતા, જ્યારે ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા હતા. અને સતત વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ તેના પર કાબુ મેળવવા કામે લાગી ગયું હતું.
પરંતુ 19 ફેબ્રુઆરી બાદ પોઝિટિવ કેસોમાં ઘટાડો શરૂ થયો હતો, અને પોઝિટિવ દર્દીઓનો આંક ડબલ અને ત્રીપલ ડિઝીટમાંથી સિંગલ ડિજિટમાં આવી ગયો હતો. જે આખરે શનિવારના રોજ એકપણ કેસ નોંધાયો નથી. જોકે, હજુ 6 કેસ એકટીવ છે. ત્રીજી લહેરમાં કુલ 4245 દર્દીઓ કોરોનામાં સપડાયા, જેમાંથી 4233 દર્દીઓને કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હજુ 6 દર્દીઓ તંત્રના ચોપડે હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે તંત્રના ચોપડે ત્રીજી લહેરમાં 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
ફાગણી પૂનમના ધર્મોત્સવ અગાઉ કોવિડ કેસ શૂન્ય થતાં તંત્રને રાહત
મહત્વની વાત છેકે આગામી 17 માર્ચના રોજ ફાગણી પૂનમ ની ઉજવણી થનાર છે. જે રીતે કોરોના કેસો સતત ઘટી રહ્યા હતા, તેને જોતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઇનમાં છુટછાટો આપી દીધી છે. જેને લઈ ફાગણી પૂનમની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કોરોના કેસ 0 થતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
5 માર્ચે 18 પ્લસના 1239, 21 બાળકોને રસી અને 931ને બુસ્ટર ડોઝ અપાયો
જિલ્લામાં આજે 18 પ્લસના રસીકરણ માટે 86 સ્થળો ફાળવવામાં આવ્યા હતા. જ્યાં દિવસ દરમિયાન 1239 લોકો એ રસીનો લાભ લીધો હતો. બીજી તરફ બાળકોનું રસીકરણની વાત કરીયે તો આજના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા 21 બાળકોને રસી નો ડોઝ આપવામાં આવ્યો છે. બુસ્ટર ડોઝ ની વાત કરીયે તો, 60 પ્લસને 788, હેલ્થ કેર વર્કરને 35, ફ્રન્ટલાઈન વોરિયર્સને 108 મળી કુલ 931 લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.