તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડાકોર બાધા પુરી કરવા મિત્રો સાથે ચાલતાં નીકળેલા પોલીસ કર્મીને એક્ટિવા ચાલકે ટક્કર મારી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા એક્ટિવાની ટક્કર વાગતાં પોલીસ કર્મી અર્ધબેભાન અવસ્થામાં
  • મહુધાના નાની ખડોલ પાસે મધરાતે અકસ્માત થયો
  • મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

રાજ્યમાં મંદિરો અનલોક થતાં ભક્તોનો પ્રવાહ મંદિર તરફ વળ્યો છે. માનતા, બાધા પુરી કરવા ભક્તો આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના એક પોલીસ કર્મી બાધા પુરી કરવા જતાં અકસ્માત નડ્યો છે. ડાકોર બાધા પુરી કરવા મિત્રો સાથે ચાલતાં નીકળેલા પોલીસ કર્મીને અજાણ્યા એક્ટિવાની ટક્કર વાગતાં પોલીસ કર્મી અર્ધબેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ અંગે મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ પોલીસ લાઈનમાં રહેતા અને નડિયાદ એલસીબીમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાને અકસ્માત નડ્યો છે. ગતરોજ તેઓ પોતાના ત્રણ મિત્રો સાથે ડાકોર જઈ રહ્યા હતા. યશપાલસિંહને બાધા હોવાથી તેઓ ચાલતાં જઈ રહ્યા હતા. જ્યારે બીજા તેમના અન્ય મિત્રો આગળ કારમાં બેસી જતાં હતા. મિત્ર યશપાલસિંહને સથવારો મળે અને તેમની બાધામાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ ત્રણેય મિત્રો તેમની સાથે ગયા હતા. ગતરાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ મહેમદાવાદ મુકામેથી તમામ લોકો નીકળ્યા હતા.

યશપાલસિંહ ચાલતાં જઈ રહ્યા હતા, ત્યારે તેમના મિત્રો વારાફરતી ડ્રાઈવીંગ કરતાં હતા. સિહુંજ ચોકડીથી મહુધા ચોકડી થઈને ડાકોર તરફ જતાં હતા ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ નાની ખડોલ પાસે યશપાલસિંહે પોતાના મિત્રોને જણાવ્યું કે તમે આગળ હોટલ છે ત્યાં ઉભા રહો હું ચાલતો ચાલતો ત્યાં આવુ છું. તેથી ત્રણેય મિત્રો આગળ આવેલી હોટલ પર ઉભા રહ્યા હતા.

આ દરમિયાન વધુ સમય થતાં યશપાલસિંહ ત્યાં આવ્યા નહોતા. આથી સાથી મિત્રે યશપાલસિંહને ફોન કર્યો હતો. પરંતુ તેઓ રિસિવ કરતાં નહોતા. તેથી ચિંતાતુર બનેલા ત્રણેય મિત્રો પરત કાર લઈને નાની ખડોલ તરફ આવતાં રોડની સાઈડમાં બેભાન અવસ્થામાં યશપાલસિંહ પડ્યા હતા અને નજીકમાં જ એક અક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત હતો. તાબડતોબ યશપાલસિંહને તેના મિત્રોએ કારમાં બેસાડી સારવાર અર્થે લઈ ગયા અને હોટલના સંચાલકને જણાવ્યું કે તમે ઉપરોક્ત એક્ટિવા વાળાને સારવાર માટે લઈ જાવ.

આ બાદ ડાકોર મુકામે પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર અર્થે યશપાલસિંહને નડિયાદ અને ત્યાંથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં છે. હાલ યશપાલસિંહ અર્ધબેભાન અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે. તેમના મિત્રો પરત બનાવ સ્થળે આવતાં ચાલક પણ નહોતો. આ ઘટના સંદર્ભે યશપાલસિંહના મિત્ર ધવલ જયેશભાઈ દરજીની ફરિયાદના આધારે મહુધા પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...