અકસ્માત:મહેમદાવાદના મોદજ પાસે આગળ જતી કાર સાથે ધડાકાભેર ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશથી પ્લાયવુડ ભરી મહારાષ્ટ્ર જતી ટ્રકને ચરોતર પંથકમાં અકસ્માત નડ્યો
  • ઓવરટેકની લાહ્યમાં ટ્રક ચાલકનો જીવ ગયો

ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અવાર નવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે. તાજેતરમાં ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના જીવ હોમાયા છે. તો વળી આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. મહેમદાવાદ પાસેના આ હાઇવે પર ઓવરટેકની લાહ્યમાં ટ્રકના ચાલકે આગળ જતી કારને ધડાકાભેર અથડાવતાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદના મોદજ ગામની સીમમાંથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. ગતરોજ વહેલી સવારે અહીંયાથી વડોદરા તરફ જતી ટ્રક (નં. U. P. 14 GT 8939)ના ચાલક ફરયાદખા જીલેદારખા પઠાણ (રહે. ગોરમાઈ, જિ. બદાયું, ઉત્તરપ્રદેશ)એ પોતાની ટ્રક પુરપાટે ચલાવી લાવી આગળ જતી કારને ઓવરટેક કરવા જતાં આ કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. કારના પાછળના ભાગે અથડાવતાં ટ્રક ચાલક ફરયાદખા પઠાણને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ટ્રકના ક્લીનર મોહમદસાદીક પઠાણે હાઇવેની એમ્બ્યુલન્સને જાણ કરતાં મૃતકના મૃતદેહને મહેમદાવાદ સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. મહેમદાવાદ પોલીસે મોહમદસાદીક પઠાણની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત ટ્રકમાં ઉત્તરપ્રદેશથી પ્લાયવુડ ભરી મહારાષ્ટ્ર ડીલીવરી કરવા જતાં અકસ્માત નડ્યો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...