બે પુત્ર અને માતાને જીવે ત્યાં સુધી કેદ:ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં ખંડણી માટે બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી હતી, તાન્યા હત્યા કેસમાં નડિયાદ કોર્ટનો ચુકાદો

નડિયાદએક મહિનો પહેલા
બે પુત્ર અને માતાને જીવે ત્યાં સુધી કેદની સજા.
 • સાત વર્ષીની બાળકીનું ચોકલેટ આપવાના બહાને અપહરણ કરાયું હતું
 • આરોપીઓએ તાન્યાને જીવતી મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી
 • ચુકાદો આવતાં મૃતકનાં દાદી ચોધાર આંસુએ રડી પડ્યાં

નડિયાદમાં બહુચર્ચિત તાન્યા હત્યા કેસનો ચુકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષીય બાળકી તાન્યાનું તેના પાડોશીઓએ ખંડણીના આશયથી અપહરણ કરીને તેને નદીમાં ફેંકી ક્રૂર હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ ઘટનામાં સામેલ પાંચ આરોપીની પોલીસે જે-તે સમયે ધરપકડ કરી હતી. તો બીજી બાજુ નડિયાદ સહિત જિલ્લામાં બાળકીનાં પરિવારજનોને ન્યાય મળે એ માટે આ સમયે લોકો રસ્તા પર ઊતરી 'હત્યારાઓને ફાંસી આપો'ના નારા લગાવ્યા હતા. આ બહુચર્ચિત કેસ આજે નડિયાદની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આકરું વલણ દાખવી આરોપીઓ પૈકી 3ને આજીવન કેદની સજા સંભળાવી છે.

બાળકીનું અપહરણ કરી હત્યા નિપજાવાઈ હતી
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં પાંચ વર્ષ અગાઉ તાન્યા હત્યા કેસનો બનાવો બન્યો હતો. નડિયાદ સંતરામ ડેરી રોડ પાછળ લક્ષ ડુપ્લેક્સમાં વૃદ્ધ દાદી સાથે રહેતી 7 વર્ષીય બાળા તાન્યાને તેના પડોશીઓએ અપહરણ કર્યું હતું. ઘટનાના 3 દિવસ બાદ તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ સંપૂર્ણ ફોગાઈ ગયેલી હાલતમાં મળ્યો હતો. જે-તે સમયે પોલીસે મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ, ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જિગીષા વિમલકુમાર વિનુભાઈ પટેલ ત્રણેય (રહે.૫, લક્ષ ડુપ્લેક્સ, જાનકીદાસ સોસાયટીની બાજુમાં, સંતરામ દેરીરોડ, નડિયાદ) તથા બે સગીર મળી કુલ 5 વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અપહરણના સમયે મીત વિમલ પટેલ‌, તેના સાગરીત ધ્રુવ પટેલ અને એક સગીરની પૂછપરછ આદરી હતી‌, જેમાં આ તમામે અપહરણ કરી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આરોપી મીત પટેલ અને ધ્રુવ પટેલ.
આરોપી મીત પટેલ અને ધ્રુવ પટેલ.

ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું
મીત પટેલે પોતાના અન્ય સાગરીત સાથે મળી સાત વર્ષની તાન્યાનું ચોકલેટ, આઈસક્રીમ ખવડાવવાના બહાને અપહરણ કર્યો હતું. આ પછી પકડાઇ જવાની બીકે તેણે તાન્યાને મહીસાગર નદીમાં જીવતી ફેંકી દીધી હતી. આ ઘટના બાદ તરત મીત પટેલ નડિયાદના પોતાના ઘરે આવી ગયો હતો. પોલીસે આ આરોપીની જે-તે સમયે ધરપકડ કરી હતી. મીત પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તેણે 15 દિવસ પહેલાં જ આ અપહરણનો પ્લાન રચ્યો હતો અને બનાવના દિવસે સાંજે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધારાનો ફાયદો ઉઠાવી તેણે તાન્યાનું અપહરણ કર્યું હતું અને પોતાના સાથી સાથે આણંદ બાજુ રવાના કરી દીધી હતી. થોડા જ કલાકોમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આરોપીઓને પકડાઈ જવાની બીકે માસૂમ તાન્યાને વાસદ બ્રિજ ઉપરથી નદીના ધસમસતા પ્રવાહમાં જીવતી ફેંકી દીધી હતી. ખંડણી વસૂલવાના આશયથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની કેફિયત આરોપીઓએ કબૂલી હતી.

સરકારી વકીલ પી.આર. તિવારી.
સરકારી વકીલ પી.આર. તિવારી.

તાન્યાનો મૃતદેહ લગભગ 28 કિલોમીટર સુધી પાણીમાં તણાયો હતો
હત્યારાઓએ આણંદના વાસદ બ્રિજ ઉપરથી તેણે બેભાન અવસ્થામાં જ તાન્યાને નદીમાં ફેંકી દીધી હતી. આટલી ઊંચાઈ પરથી પડવાને કારણે તેના માથાના ભાગે ઈજા થઈ હતી અને મહીસાગરના ધસમસતા પ્રવાહમાં તેનો મૃતદેહ લગભગ 20થી 25 કિમી સુધી તણાયો હતો અને આંકલાવ પાસેના સંખ્યાડ ગામેથી મળ્યો હતો આ દરમિયાન જળચર પ્રાણીઓએ મૃતદેહના અમુક ભાગને ફાડી ખાધો હોવાનું પણ પોલીસને જે-તે સમયે જાણવા મળ્યું હતું.

ચુકાદો આવતાં દાદી ચોંધાર આંસુએ રડી પડ્યાં.
ચુકાદો આવતાં દાદી ચોંધાર આંસુએ રડી પડ્યાં.

આરોપીઓ વડોદરાથી ખંડણી માટે ફોન કરવાના હતા
આરોપીઓની પૂછપરછમાં જે-તે સમયે બહાર આવ્યું હતું કે તેમણે કાવતરા મુજબ આરોપીઓએ તાન્યાને ઉઠાવી ગયા બાદ વડોદરા જઈને ખંડણી માટે ફોન કરવાના હતા, પરંતુ વાત પ્રસરી જતાં તેમણે વડોદરા જવાને બદલે આણંદ પાસે જ વાસદ બ્રિજ ઉપરથી તાન્યાને જીવતી ફેંકી દીધી હતી. વધુમાં આરોપીઓએ 18 લાખની ખંડણી માગવાનો વિચાર કર્યો હતો, એમ તપાસમાં બહાર આવ્યું હતું.

ક્રિકેટના સટ્ટામાં લાખોનું દેવું થતાં અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યું
પોલીસ તપાસમાં આરોપી મીત ઉર્ફે ભલો ક્રિકેટનો સટ્ટો ૨મવાનો શોખ હતો. ક્રિકેટનો સટ્ટા રમવામાં લાખોનું દેવું થતાં એ ભરપાઈ કરવા આરોપી ધ્રુવ ઉર્ફે બબુ તથા આરોપી જિગીષા તથા આ કામના કાયદાના સંઘર્ષના આવેલા બે કિશોર સાથે મળી તાન્યાનું અપહરણ કરી ખંડણી પેટે રૂપિયા અઢાર લાખની ખંખેરી દેવાના ઈરાદો હતો. ઘટનાના દિવસે તાન્યાને તેના ઘરેથી અપહરણ કરી હુન્ડાઈ આઈ.10 મોટર કાર નં.જી.જે.7.D.A 2046માં લઈ જવા જે માલિકની કાર હતી તેમને અંબાજી દર્શન કરવા જવાનું બહાનું બતાવી તેઓ પાસેથી મોટરકાર મેળવી હતી. આ બાદ એમાં મારી નાખવાના ઈરાદે પથ્થરો રાખ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હેબતાઈ ગયેલા આરોપીઓએ તાન્યાને મારી નાખાવનો‌ પ્લાન ઘડ્યો. વાસદ મહીસાગર નદીના પુલ ઉપર લઈ જઈ તેને નદીના પાણીમાં ફેંકી દેતાં તેનું મોત નીપજ્યું હતું.

માસૂમને આઈસક્રીમ ખવડાવ્યા બાદ નદીમાં ફેંકી દીધી
આ પહેલાં ગુનાહિત કાવતરું રચ્યું હતું. કાવત્રાના ભાગરુપે બપોરના સમયે આરોપીઓએ ભેગા મળી નડિયાદ મોટી કેનાલ ઉપરથી એક મોટો પથ્થર લઈ મોટર કારની ડેકીમાં પહેલેથી રાખેલો હતો. એકબીજાના મેળાપીપણામાં તાન્યાનું અપહરણકરી મોટરકારમાં નડિયાદથી આણંદ વિદ્યાનગર બિગ બજાર પાસે હેવમોર આઈસક્રીમના પાર્લર આગળ લઈ જઈ ભોગ બનનારને આરોપી મીત ઉર્ફે ભલો નાએ સ્ટ્રોબરી આઈસક્રીમ લઈ આપી. વિશ્વાસમાં લઈ ત્યાંથી તાન્યાને મોટરકારમાં આણંદ બસ સ્ટેશનવાળા રોડે થઈ ભાલેજ ઓવરબ્રિજ થઈ સામરખા ચોકડી થઈને.હા.નં.8 પર વાસદ મહીસાગર નદીના પુલ ઉપર લઈ જઈ તેને નદીમાં ફેંકી દીધી હતી.

તેને માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં મોત નીપજયું હતું. આ બાદ આરોપી મીત અન્ય સગીર આરોપી સાથે આ મોટરગાડીમાં વાસદથી નડિયાદ પરત આવ્યો હતો અને ગુમ થવા બાબતે પો.સ્ટે જાણ કરવા પહોંચ્યો હતો તથા બાકીના સહઆરોપીઓએ તાન્યાની શોધખોળ કરવા લાગ્યા હતા. આરોપી મીતના એ સગીરા આરોપીને ફરિયાદી બહેન પાસે રૂપિયા અઢા૨ લાખની ખંડણી માગવા ફરિયાદી બહેનનો નંબર લખી આપ્યો હતો. આ ઉપરાંત આ સમયે ઓળખ ન થાય એ માટે ટીશર્ટ તથા હાથ રુમાલ તથા ટોપી નવું લઈ પહેરવાનું જણાવી ખંડણીની માગણી હિન્દી ભાષામાં વાત કરી હતી. તાન્યાના ઘરે ઘણી પોલીસની હાજર હોવાથી પોતાનો ગુનો જાહેર ન થાય તથા પોલીસથી પકડાઈ ન જવાય એની સાવચેતી રાખી સગીર આરોપીએ જે-તે વખતે ખંડણીની માગણી કર્યા સિવાય પરત નડિયાદ બોલાવ્યો હતો.

આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીઓ સામે 363,302,364એ, 120બી અને 201 મુજબનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મળતાં ના.કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી આજ રોજ હાથ ધરાઇ હતી. નડિયાદ એડિ.સેશન્સ ડી.આર.ભટ્ટની અદાલતમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર, તથા પી.આર.તિવારી તેમજ મૂળ ફરિયાદીના વકીલ સંઘર્ષ ટી.બાજપાઈ નાઓએ આ કેસમાં કુલ 29 સાક્ષીને અને કુલ 97થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.

સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર નાએ દલીલો કરેલી કે મરણ પામનારી બાળકી ઉં.વ.7ની હોઈ, ખંડણી માગવાના ઈરાદે તેનું અપહરણ કરી વાસદ પુલ ઉ૫૨થી નીચે નાખી દઈ તેનું નિર્દય મોત નિપજાવનાર આરોપીઓને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરેલી, જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને ના.કોર્ટે તમામ આરોપીઓને તકસીરવાન ઠેરવી આરોપીઓ મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ, ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જિગીષા વિમલકુમાર વિનુભાઈ પટેલ ત્રણેય (રહે.૫, લક્ષ ડુપ્લેક્સ, જાનકીદાસ સોસાયટીની બાજુમાં, સંતરામ દેરીરોડ, નડિયાદ)ને આજીવન કારાવાસની સજા સાથે દંડ ફટકાર્યો છે. વધુમાં તમામ આરોપીઓને મરનારનાં માતા-પિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

સમગ્ર ઘટના ક્રમ પર એક નજર

 • 18મી સપ્ટેમ્બર 2017ના રોજ સમી સાંજે ચોકલેટ ખાવાની લાલચ આપી પાડોશીઓએ માસૂમ તાન્યાનું અપહરણ કર્યું
 • 19મી સપ્ટેમ્બર 2017ના રોજ સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આવતાં સૌપ્રથમ ગુમ જાણવાજોગની નોંધ કરી
 • 21મી સપ્ટેમ્બર 2017ના રોજ સમી સાંજે તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના મહીસાગર નદી કિનારાના પાણીમાંથી મળ્યો
 • 22મી સપ્ટેમ્બર 2017ના રોજ ત્રણ આરોપીની ગુનામાં વપરાયેલી કાર સાથે ધરપકડ કરાઈ
 • 23મી સપ્ટેમ્બર 2017ના રોજ માસૂમ બાળા તાન્યાની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં નગરનાં નગરજનો જોડાયાં હતાં. તો બીજી બાજુ આ દિવસે ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાયા હતા
 • 24મી સપ્ટેમ્બર 2017ના રોજ સમગ્ર નડિયાદ શહેર સહિત જિલ્લો ઘેરા શોકમાં ડૂબી ગયો અને કેન્ડલ સળગાવી પીડિત પરિવારને ન્યાય આપવા લોકો જાહેર રસ્તા ઉપર ઊમટ્યા હતા
 • 25મી સપ્ટેમ્બર 2017ના રોજથી આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. હત્યારાઓને ફાંસી આપો જેવા નારા સાથે કલેકટરને તથા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્રો અપાયા, જેમાં શહેરની સ્વૈચ્છિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ
 • 28મી સપ્ટેમ્બર 2017ના રોજ મુખ્ય આરોપી સહિત તેની માતાની ધરપકડ કરવામાં આવી
 • 29મી સપ્ટેમ્બર 2017ના રોજ આ બન્ને આરોપીના રિમાન્ડ મેળવવા બંનેને કોર્ટમાં રજૂ કરાયા
 • 5 વર્ષ બાદ ન્યાય મળ્યો, 13મી એપ્રિલ 2022ના રોજ 5 પૈકી 3 આરોપીને આજીવન સજાનું ફરમાન
અન્ય સમાચારો પણ છે...