અકસ્માતને પગલે મોત:મહેમદાવાદ-ખેડા રોડ પર છાપરા નજીક બાઈક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નીપજ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં મહેમદાવાદ પંથકના ખેડા રોડ પર ગઈકાલે બુધવારે સાંજે મોટરસાઈકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામે મુળ ઉતરપ્રદેશના હંસપુરના વતની અનિલકુમાર લોટનસિંગ નાયક વણઝારા રહે છે. તેમની સાથે ધંધા રોજગાર અર્થે અન્ય પરપ્રાંતીય વ્યક્તિઓ પણ વસવાટ કરે છે. ગઈકાલે બુધવારે સાંજે અનિલકુમાર તેમજ તેની સાથે રહેતો રવિન્દ્ર બચ્ચનસિંગ નાયક વણઝારા પોતપોતાની મોટર સાયકલ લઈને તારાપુર જવા નીકળ્યાં હતાં. આ વખતે મહેમદાવાદથી ખેડા રોડ પર સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વિરોલ એપ્રોચ રોડ સામે પાછળથી પૂર ઝડપે આવેલ અજાણ્યા કોઈ વાહને રવિન્દ્રની મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના પછી આ વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના કારણે બાઇક ચાલક રવિન્દ્ર રોડ પર પડી જતાં શરીરે ગંભીર રીતે ઘવાતાં તે બેભાન થઈ ગયો હતો. જો કે પાછળ અન્ય મોટરસાયકલ લઈને અનિલકુમાર આવતાં હતા. તેમણે આ રોડ પર રવિન્દ્રને ઘવાયેલી હાલતમાં જોતાં તેમને તુરંત સારવાર અર્થે મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રવિન્દ્રને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે અનિલકુમાર નાયક વણઝારાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...