તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખેંચાયો:ખેડા જિલ્લામાં વરસાદની હાથતાળી, છેલ્લાં પખવાડિયાથી વરસાદ બિલકુલ નહીં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકની તાડપત્રી સહિતના ધંધામાં મંદી, વરસાદ પડે તો ધંધો ખુલે તેમ વેપારીઓ કહી રહ્યા છે
  • સમગ્ર પંથકમાં પવનની ગતિ વધી

સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. છેલ્લા પખવાડિયાથી જિલ્લાના કોઈ પંથકમાં વરસાદ નહી વરસતાં ધરતીપુત્રો ચિંતીત બન્યા છે. તો પુરા પંથકમાં વરસાદે હાથતાળી આપતાં મેઘરાજાને રીઝવવા પડશે કે શુ તેમ લોકો જણાવી રહ્યા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદે હાથતાળી આપી છે. છેલ્લા ઘણાં દિવસોથી જિલ્લાના પુરા વિસ્તારમાં ક્યાં વરસાદનું એક ટીપું પણ નહી વરસતાં ધરતીપુત્રો ચિંતીત બન્યા છે. નડિયાદ, ખેડા, કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર, વસો, માતર, કઠલાલ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી માટે જમીન ખેડી વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠા છે. આકાશ તરફ મીટ માંડી બેઠેલા ખેડૂતો આ વર્ષે વરસાદ સારો પડે તેવી આશા બંધાઈ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સમગ્ર જિલ્લામાં વરસાદ નહી પડતા આ વર્ષે પણ વરસાદ ખેંચાશે કે શુ તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે.

વરસાદથી જેને સૌથી વધુ ફાયદો છે તે ખેડૂત હાલ વરૂણ દેવની આતુરતા પૂર્વક રાહ જોઈ બેસી રહ્યા છે. તો વરસાદી સીઝનના ધંધામાં પણ મંદી છવાઇ ગઇ છે. જેમકે છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકની તાડપત્રી સહિતના ધંધામાં હાલ વેપારીઓ ગ્રાહકની રાહ જોઈ બેઠા છે. વરસાદ પડે તો ધંધો જામે તેમ આ ધંધામાં સામેલ વેપારીઓ કહી રહ્યા છે.

છત્રીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ 100 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીની વિવિધ વેરાઇટી વાળી છત્રીઓ ઉપલબ્ધ છે. પરંતુ વરસાદ ખેંચાતા અમારી ઘરાકી ખુલી નથી. સમગ્ર જિલ્લામાં છેલ્લા ચાર એક દિવસથી પવનની ગતિમાં વધારો થયો છે. જેના કારણે હજુ પણ વરસાદ ખેંચાવવાના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું તજજ્ઞો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...