સુવિધામાં વધારો:નડિયાદ જંકશન પર જનશતાબ્દી ટ્રેનનુ સ્ટોપેજ મળ્યું, મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન નડિયાદ જંકશન પર ઉભી રહેશે

આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઉભી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આગામી તારીખ 9મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહીત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે.

આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વધુમાં બાંદ્રાથી અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈથી ઓખા સૌરાષ્ટ્ર મેલના જતા રૂટમાં નડિયાદ ખાતે સ્ટોપેજ હતું, પરંતુ પરત ફરતા રૂટમાં નડિયાદ રેલવે સ્ટેશનને ઉમેરવાની પણ માંગણી લાંબા સમયથી પડતર હતી તે બાબતને પણ ધ્યાને લઇને નડિયાદ રેલવે સ્ટેશનને આ બંને ટ્રેનોના રૂટના સ્ટોપેજમાં ઉમેરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કેસ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના સન્માનમાં સર્જન થયું છે, તે સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદને જ આ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી અને લોકોની માંગણીને ધ્યાને લઇ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદને આ ટ્રેનનું સ્ટોપેજ આપવા રેલ મંત્રાલયમાં રજૂઆત કરી હતી.

ત્યારબાદ પણ સતત જનશતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળી રહે તે અંગે તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. સાંસદની રજૂઆતને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ - કેવડીયા (એકતા નગર) "જન શતાબ્દી એક્ષપ્રેસને નડિયાદ તારીખ 9 માર્ચથી સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...