જનજાગરણ અભિયાન:નડિયાદમાં કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાનનો પ્રારંભ, મોંઘવારી-બેરોજગારીના મુદ્દાને લઇ ભાજપ પર નિશાન તાકવામાં આવ્યું

નડિયાદ19 દિવસ પહેલા
  • યુવાનોને ખોટા રસ્તે ચલાવનારા તત્વોને આ સરકાર ખુલ્લા પાડે : ડો. રઘુ શર્માજી
  • સમસ્યાઓને વાચા આપવા તેમજ પ્રજાને જાગૃત કરવા આવા અભિયાનો કોંગ્રેસ દ્વારા શરૂ કરાયા : અમિત ચાવડા

ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે બુધવારે બપોરે શહેરના ઇપ્કોવાલા હોલમાં જનજાગરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પસંગ્રે યોજાયેલા સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમાયેલા રાજસ્થાનના ડોક્ટર રઘુ શર્માજી ખાસ હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેજા હેઠળ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે નડિયાદમાં યોજાયેલા જનજાગરણ સમારંભમાં પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુજી શર્માની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. દેશમાં વધતાં જતાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી ચીજવસ્તુના ભાવમાં વધારાના વિરોધમાં અને જનતાને જાગૃત કરવાના હેતુસર આ સમારંભ યોજવામાં આવ્યો હતો.

સમારંભની શરૂઆત પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમાયેલા ડો. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો ઝીંકાયો છે. તો બીજી બાજુ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જનતાને પાયાની સુવિધા મળતી નથી. ખેડૂતોની હાલત કફોડી બની છે. આ બધી બાબતોથી જનતાને જાગૃત કરવા અને કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશને વેગવાન બનાવવા આવા કાર્યક્રમો વિવિધ જિલ્લામાં કરવાનું આયોજન થયું છે. આજે આ 7મો કાર્યક્રમ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને વધુમાં વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. આવનારી 2022ની ચૂંટણીમાં કોગ્રેસની સરકાર બનશે એ યુવાનોના જુસ્સા પરથી લાગે છે.

ખેડૂતોને રૂપિયા 2 હજાર ખાતામાં નાખી બીજી બાજી ખેડૂતો પાસેથી ઘણી રકમ સરકાર લઈ રહી છે એ બધા જાણે છે. તેમણે ભાજપ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં મોંઘવારીની અને બેરોજગારીની વાતો કરી સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકાર મોંઘવારી દૂર કરી શકી નથી. દર વર્ષે બે કરોડ લોકોને રોજગારીની આપવાની વાત કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં કેટલાને રોજગારી આપી તેનો જવાબ તેમની પાસે નથી. ગુજરાતમાંથી નશીલા પદાર્થ પકડાય છે તે બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તપાસ મૂળ સુધી જાય તો ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવી શકે તેમ છે. યુવાનોને ખોટા રસ્તે ચલાવનારા તત્વોને આ સરકાર ખુલ્લા પાડે તેવી માંગ તેમણે કરી છે.

આ તબક્કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના કુશાસનથી પ્રજા કંટાળી ગઈ છે. લોકોના ધંધા રોજગાર ઠપ્પ બન્યા છે. મોંઘવારી આસમાને ચડી છે. મોંઘું શિક્ષણ લીધા બાદ પણ રોજગારી મળતી નથી. આવી ઘણી સમસ્યાઓને વાચા આપવા તેમજ પ્રજાને જાગૃત કરવા માટે આવા જનજાગૃતિ અભિયાનો કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જનતાનો ખૂબજ સહકાર મળી રહ્યો છે. વર્ષ 2022 ચૂંટણીમાં અવશ્ય પરિવર્તન આવશે તેમાં બેમત નથી. આવનાર મહિનામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પક્ષ પર લડાતી નથી. જે સારો હોય તેને જનતા ચૂંટે છે કોંગ્રેસ સારા ઉમેદવારને સમર્થન આપે છે.

આ સમારંભની શરૂઆત સ્વાગત પ્રવચનથી ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિવિધ ધારાસભ્યો જિલ્લા તેમજ શહેરના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...