નડિયાદ તાલુકાના ભગુપુરા ગામેથી પોલીસે મોટા પ્રમાણમાં પોશડોડાના ભૂક્કાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ શખ્સે સવારે MPના બે લોકો પાસેથી રૂપિયા 1.27 લાખનો પોશડોડાનો ભૂક્કો વેચાણ અર્થે ખરીદ્યો અને રાત્રે SOG પોલીસે ત્રાટકી આ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે આ બનાવમાં 44.500 kgના પોષડોડાના ભુક્કો કિંમત રૂપિયા 1.33 લાખનો કબ્જે કરી 3 સામે ફરિયાદ નોંધી હતી.
નડિયાદના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભગુપુરા ગામેથી ગત 13મી એપ્રિલની રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટા પ્રમાણમાં પોશડોડાનો ભુક્કો પકડી પાડયો હતો. પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે અહીયા ભગુપુરા પહોંચી મનુ દેસાઇભાઈ વાઘેલાના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને તેના રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ પોશડોડાનો ભૂક્કો મોટા માત્રામાં કબ્જે કર્યો છે. ત્રણ પ્લાસ્ટિકની કોથળીઓમા કુલ 44.500 kg પોશડોડાનો ભૂક્કો જેની કિંમત રૂપિયા 1 લાખ 33 હજાર 500 સાથે મનુ દેસાઇભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આ બનાવમાં ઉપરોક્ત જથ્થા સાથે વજન કાંટો મળી કુલ રૂપિયા 1 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા મનુભાઇ વાઘેલાની પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આ ઉપરોક્ત પોશડોડાનો ભૂકો મધ્યપ્રદેશના પવન અને બદ્રી નામના વ્યક્તિઓએ આજ સવારે આઠ વાગ્યાની આસપાસ ઘરે આપી ગયેલા હતા. વધુમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત પોશડોડાનો ભૂક્કો રૂપિયા 1 લાખ 27 હજાર ચૂકવી વેચાણ અર્થે ખરીદ્યો હતો. આમ પોલીસે આ નાર્કોટિક્સ કેસ મામલે કુલ ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. આજે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બનાવમાં અન્ય સહ આરોપીઓના નામ ખુલતા પોલીસે તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.