છેતરપિંડી:અમેરિકા મોકલવાના બહાને 61 લાખની છેતરપિંડી કરનાર ઇસમને 7 વર્ષની કેદ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 જેટલી વ્યક્તિઓ પાસે ઠગાઇ કરી, વડતાલ મંદિરના સ્વામી હોવાનો સ્વાંગ રચ્યો હતો

લાંભવેલ ગામની મહાદેવવાળી ખડકીમાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે લાલાએ સંજીવભાઈ પટેલ સહિત 13 લોકોને અમેરીકા મોકલવાની લાલચ આપી 61 લાખ રૂપિયા ખંખેરી લેતા ચકલાસી મથકે તેની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ હતી. પ્રજ્ઞેશે પોતે વડતાલ મંદિરનો સ્વામી હોવાની ઓળખ આપતા ફરીયાદ સહિતના લોકોએ વિશ્વાસ મુક્યો હતો. પ્રજ્ઞેશે તમામ લોકોને અમેરીકા મોકલવા માટે વ્યક્તિદીઠ 11-11 લાખનો ખર્ચો થશે, તેમ જણાવ્યુ હતુ. જ્યાં અમેરીકાની લાલચમાં તમામે 4 થી 5 લાખ વ્યક્તિદીઠ જમા કરાવ્યા હતા.

પ્રજ્ઞેશે 61 લાખની રકમ ઉઘરાવી કોઈને અમેરીકા મોકલ્યા ન હતા અને કોઈ કાર્યવાહી કરી નહોતી. જેથી ફરીયાદ સહિતના લોકોને પોતાની સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. જેથી આ અંગે ચકલાસી પોલીસે ગુનો દાખલ કરીને પ્રજ્ઞેશકુમાર ઉર્ફે લાલો રમેશભાઈ પટેલની ધરપકડ કરી હતી અને તપાસ પુરી કરીને ચાર્જશીટ નડીઆદની અદાલતમાં ફાઈલ કરી હતી. આ કેસ નડિયાદના ત્રીજા એડિ. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એચ. ડી. પટેલની કોર્ટમાં ચાલ્યો હતો.

ફરિયાદ પક્ષ તરફથી ઉપસ્થિત સરકારી વકીલ એમ. જે. પટેલે દલિલો કરી હતી. જેમાં આરોપી પ્રજ્ઞેશે વડતાલ મંદિરના સ્વામી હોવાનો ખોટો સ્વાંગ રચીને કુલ 13 જેટલી વ્યક્તિઓ પાસેથી અમેરિકાના વિઝા અપાવવાના બહાને 61 લાખની રકમ લઈને છેતરપીંડી કરી છે, જે ફરિયાદી તેમજ સાહેદોની જુબાની તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. તેઓએ પોતાના કેસના સમર્થનમાં 21 સાક્ષીઓ તપાસ્યા હતા અને 11 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. કૉર્ટે પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રજ્ઞેશને કસૂરવાર ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રજ્ઞેશ પટેલે અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા હતા
પોતે વડતાલ સ્વામી હોવાનું જણાવનારા પ્રજ્ઞેશે અમેરિકાના ન્યુઝર્સી સ્વામીનારાયણ મંદિરમાં રહેવુ હોય, તો રાખવાની તેમજ પ્રત્યેક વ્યક્તિને મહિને 1500 ડોલર લેખે પગાર આપવાની પણ લાલચ આપી હતી. જેથી તમામ વ્યક્તિઓ પૈસા આપીને અમેરિકા જવા તૈયાર થઈ ગયા હતા. જ્યાં છેતરાયેલા 13 લોકો પૈકી કોઈએ પાંચ લાખ તો કોઈએ ચાર લાખ એમ મળીને કુલ 61 લાખ રૂપિયા પ્રજ્ઞેશને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...