અકસ્માત:નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળ આઈસર ઘૂસી, એકનું મોત એક ઇજાગ્રસ્ત

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી
  • બુધવારે પરોઢિયે સર્જાયેલા અકસ્માતમાં એકની હાલત ગંભીર

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાંય વળી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર છેલ્લા માસ દરમિયાન કેટલાય ગમખ્વાર અકસ્માતો સામે આવી રહ્યા છે. જેના કારણે આ હાઈવે યમના દ્વારનો માર્ગ સાબીત થયો છે તેમ વાહન ચાલકો જણાવી રહ્યા છે. આ હાઈવે પર નડિયાદ પાસે આજે વહેલી સવારે વધુ એક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. જેમાં હાઇવેની સાઈડમાં ઊભી રહેલી ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં આઈસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી દીધી છે.

નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે સલુણ ઓવરબ્રીજની બરાબર નીચે બુધવારે પરોઢિયે એક અકસ્માત સર્જાયો છે. જેમાં આ હાઈવે પર સાઈડમાં ઊભી રહેલી ટ્રક પાછળ આઈસર ટ્રક નં. (DN 09 P 9487) ઘૂસી ગઈ હતી. ધડાકાભેર અથડાતા ઉપરોક્ત આઇસર ટ્રકના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં આઈસર ચાલક પૃથ્વીપાલ ચિબાઈ (ઉ. વ. 32, રહે. ઉત્તરપ્રદેશ)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ હાઈવે ઓથોરિટીને થતાં તુરંત નડિયાદ શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘવાયેલા શખ્સને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પંચનામુ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...