ખેડા જિલ્લામાં કોરોના ફરી એક વખત વિફર્યો છે. ત્યારે જિલ્લાના વડા મથક નડિયાદમાં રાત્રી કરફ્યુના ચૂસ્ત અમલીકરણના આદેશ અપાયા છે. જેના કારણે ગઈકાલે શનિવારથી આ અમલીકરણ થઈ ચૂક્યું છે.
નડિયાદ શહેરમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનું એલાન કરાયું છે. કોરોનાના વધતા જતાં કેસોને નાથવા માટે અને સંક્રમણ અટકાવવા માટે આ રાત્રી કરફ્યુની અમલવારી જરૂર જણાતાં આદેશ અપાયા હતા. જેના બાદ ગઈકાલે શનિવારે રાત્રીના 10 વાગ્યાથી આ કરફ્યુની અમલવારી થઈ ચૂકી હતી. પોલીસે સમગ્ર શહેરમાં નાઈટ કરફ્યુનું પાલન થાય તે હેતુસર પેટ્રોલીંગ કર્યુ હતું. મુખ્ય રસ્તાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
ટાઉન પોલીસની સાથે સાથે ગ્રામ્ય પોલીસે પણ નડિયાદ શહેરમાં પ્રવેશતા માર્ગો પર પણ પોલીસ તૈનાત કરી ચૂસ્ત નાઇટ કરફ્યુની અમલવારી કરાવી હતી. નડિયાદના ડભાણ, પીપલગ, બીલોદરા વગેરે સ્થળો પરથી નડિયાદ શહેર તરફ આવતા માર્ગો પર પોલીસ ફરજ બજાવી રહી છે. તેમજ શકમંદ જણાતાં કોઇ કામ વગર બહાર ફરતાં લોકો પોલીસના હાથે દંડાયા છે.
નડિયાદમાં રાત્રી કરફ્યુનો ભંગ કરતાં બે દંડાયા
નડિયાદમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો છે. માટે રાત્રી કરફ્યુનો આદેશ અપાયો છે. તો ગતરાતથી આ કરફ્યુની અમલવારીમાં નડિયાદ શહેરના બે લોકો પોલીસના હાથે દંડાયા છે. જેમાં મીલ રોડ પરથી અબ્દુલસમદ અબ્દુલશીદ શેખને પોલીસે વગર કારણે રાત્રે બહાર ફરતા અટકાવ્યો છે, તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાઈ છે. આ ઉપરાંત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં રાત્રી કરફ્યુનો ભંગ કરતાં યુનુસભાઈ જેમલસિંહ રાઠોડ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.